ખેડુતોની જમીન કોર્પોરેટ કંપનીઓના હાથમાં જતા ખેડુતોની સ્વતંત્રતા છીનવાઇ જશે: કલેકટરને આવેદન
અત્યારે સંસદમાં ચાલુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ વિધેયક બીલ બન્ને ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જે બિલ ખેડુતોનું અહિત કરતા જણાય છે અને આવનારા સમયમાં દેશનાં ખેડુતો મુશ્કેલીમાં મુકાશે તેવું લાગી રહ્યું છે. બીલનો અભ્યાસ કરતા આવનારા દિવસોમાં ખેડુતોની જમીન કોર્પોરેટ કંપનીઓના હાથમાં જતી રહેશે અને ખેડુતોની સ્વતંત્રતા છીનવાય જશે. બીલમાં ખેડુતોની ખેતપેદાશનાં મીનીમમ (ટેકાના) ભાવનો કોઇ ઉલ્લેખ નથી આથી કંપનીઓ તેના મરજી મુજબના ભાવ લેશે જેથી કૃષિ પ્રધાન દેશનો ખેડુત બરબાદ થઇ જશે તથા આ બીલના કારણે કોર્પોરેટ કંપનીઓ દ્વારા ખેત પેદાશની ખરીદી વખતે ભાવમાં ખેડુતોનું શોષણ થશે અને આ માલ બજારમાંથી ખરીદી વખતે સામાન્ય ગ્રાહકને વધુ કિંમત ચુકવવાનો માર પડશે. ખેડુત સામે કંપની કોઇ કાવાદાવા કરે તો ખેડુતોએ પોતાની ફરીયાદ કયા કરવી તેની કોઇ સ્પષ્ટતા નથી. દેશના ખેડુતોના હિતમાં આ પારીત બીલ મુદ્દે ફેર વિચારણા કરવા આજરોજ શહેર કિસાન કોંગ્રેસ દ્વારા કલેકટર મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવાયું હતું. આ આવેદન આપતી વેળાએ સમિતિના નિલેશ વિરાણી, અતુલ કમાણી, ચેતનભાઇ ગઢીયા સહીતના આગેવાનો જોડાયા હતા.