કોવિડના દર્દીને ન્યુમોનિયા, છાતીમાં પાણી ભરાવાની સમસ્યાઓ વિશે તાત્કાલિક જાણી શકાશે
જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી અને ઝડપથી થઇ શકે તે માટે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સતત ૨૪ કલાક ખડેપગે છે. આ સમયે દર્દીની સારવારમાં ઉપયોગી એવા યંત્રોની પણ કોવિડના દર્દીના જીવ બચાવવામાં એક અહમ ભૂમિકા હોય છે.
વેન્ટિલેટર, બાઈપેપ મશીનો જેવામશીનો વિશે સામાન્ય લોકો પણ હવે માહિતગાર થયા છે, પરંતુ કોવિડના દર્દીઓને કોરોનાના કારણે ન્યુમોનિયા, છાતીના ભાગમાં પાણી ભરાવું વગેરે જેવી તકલીફો થતી હોય છે. આ માટે કોવિડ હોસ્પિટલમાં પોર્ટેબલ એકસ-રે મશીન કાર્યરત છે, જેના દ્વારા દર્દીના બેડ પર જ જઈને આ મશીન તેનો એક્સ-રે લઈ ડોક્ટરને તેની છાતીની સ્થિતિ વિશે માહિતી આપે છે.
હાલમાં પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા રોજ ૬૦ થી ૭૦ જેટલા દર્દીઓના એક્સ-રે કરવામાં આવે છે. પરંતુ ખૂબ નાના પાયે છાતીમાં આ પ્રકારના ઇન્ફેક્શન થયા હોય તેને જાણી અને તાત્કાલિક સારવાર આપવામાં આવે તો દર્દીના બચવાની શક્યતાઓ વધી જાય છે.ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગુજરાતનું સૌપ્રથમ એવું અદ્યતન ૮૦૦ એક્સ-રેની ક્ષમતા ધરાવતું મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ મશીન કાર્યરત થવાથી દર્દીની છાતીમાં રહેલ નાનામાં નાના ચેપ, કોરોનાને કારણે છાતીમાં થતી અન્ય તકલીફો વિશે જાણી શકાશે.
જામનગરની કોવિડ હોસ્પિટલ ખાતે કાર્યરત ડો. કૃતિક વસાવડા અને ડો. નીરજ દોશી આ મશીનની ખાસિયત જણાવતા કહે છે કે, આ મશીન દર્દીની છાતીનો માઈક્રો એક્સ-રે દર્શાવી દર્દીની તકલીફને શરૂઆતના સમયમાં જ દર્શાવી દે છે, નાનામાં નાના ચેપ વિશેની માહિતી ડોક્ટરને મળવાથી દર્દીને આવશ્યક સારવાર તાત્કાલિક ચાલુ કરી શકાશે. આ મશીનને કોવિડ હોસ્પિટલમાં જ ઇન્સ્ટોલ કરી કોવિડના દર્દીઓને ક્યાંય પણ એક્સ-રે માટે જવું ન પડે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.માનવ જીવન અમૂલ્ય છે ત્યારે જી.જી. હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને બચાવવા માટે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે આધુનિક યંત્રોની સુવિધાઓનું નિર્માણ કરી રાજ્ય સરકાર દ્વારા અમૂલ્ય માનવજીવનને બચાવવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.