ડુપ્લીકેટ બાયોડિઝલનું વેચાણ અટકશે નહિ ત્યાં સુધી રાજયના તમામ ડિલરો દર મંગળ-શુક્રવારે પેટ્રોલ ડિઝલની ખરીદી નહિં કરે: ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.ની અન્ન નાગરિક પુરવઠા વિભાગને રજૂઆત
છેલ્લા ઘણા મહિનાથી ડુપ્લીકેટ બાયોડિઝલના વેચાણ સામે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને ઉગ્ર રોષ દાખવ્યો છે. આ અંગે સરકારનુ અનેક વખત ધ્યાન દોરવા છતાં કોઇ નકકર કામગીરી કરાઇ નથી ત્યારે રાજયના તમામ ડિલરો દર મંગળવાર અને શુક્રવારે પેટ્રોલ-ડિઝલ ન ખરીદવા નિર્ણય કર્યો છે. આ અંગેની જાણ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગને કરવામાં આવી છે.
રાજયમાં છેલ્લા ૧ વર્ષમાં ડુપ્લીકેટ બાયોડિઝલનું ગેરકાયદે ધૂમ વેચાણ થાય છે, તેને કારણે રાજયને, ગ્રાહકને, પર્યાવરણને તથા ડીલરભાઇએને ખૂબ જ નુકશાન વેઠવું પડે છે. આ બાબતે ફેડરેશને ત્રણેય સરકારી ઓઇલ કંપની તથા સરકારને અનેક વખત ધ્યાન દોરેલ છે. પરંતુ આજ દિવસ સુધી આ વાતને ગંભીરતાથી નહી લેવાને કારણે ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડિઝલનો ધંધા અનેક ગણો વધી ગયો છે, જે હવે સહન થઇ શકે તેમ નથી.
માટેના છુટકે દુ:ખદ નીર્ણય લઇને ફેડરેશને તા.૨૯ને મંગળવારે No Purchase નું એલાન કરવાનું નકકી કરેલ છે અને ઉપરોકત પ્રશ્ર્નોનો નીકાલ ન થાય ત્યા સુધી દરેક અઠવાડીયાના મંગળ અને શુકવારે પેટ્રોલ તથા ડિઝલની ખરીદી કરવામા નહિ આવનારનું જણાવ્યુ છે. આ દિવસે ગુજરાત રાજયના તમામ ડિલરો પેટ્રોલ તથા ડિઝલની ખરીદી નહી કરે, પરંતુ પેટ્રોલ ડિઝલનું વેચાણ ચાલુ રહેશે. જેથી ગ્રાહકોને તકલીફ ન પડે. આ નિર્ણયની જાણ ફેડરેશન દ્વારા ત્રણેય ઓઇલ કંપનીને કરવામાં આવી હોવાનું રજુઆતમાં જણાવ્યું છે.