બિનઅધિકૃત દબાણો દૂર કરવા તંત્ર સક્રિય
ભુજના આસપાસ “કીમતી સોનાની” જમીન ઉપર દબાણ કરવામાં આવેલા છે,તેના પર મદદનીશ કલેકટર મનીષ ગુરવાનીએ એક પછી એક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણકારોમાં ધાક બેસાડતી કામગીરી થતાં અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
છેલ્લા થોડા સમયથી સરકારી જમીન ઉપર બિનઅધિકૃત ગેરકાયદેસર દબાણો દુર કરવા તંત્ર તરફથી સક્રિયતા દાખવતાં ભુજ શહેર અને તાલુકામાં લોકો તરફથી જુદી જુદી જગ્યાએ વાણિજય/કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે. જે અન્વયે ભુજ-માધાપર હાઈવે પર વાણિજય પ્રકારનાં દબાણની માહિતી આવેલી જેના પગલે દબાણો દુર કરવા માટે જિલ્લા કલેકટરનાં આદેશથી આજે ભુજ-માધાપર હાઈવે આર.ટી.ઓ રિલોકેશનની બાજુમાં હોટલ, રેસ્ટોરેન્ટ, મોટર ગેરેજનું ગેરકાયદેસર વાણિજય દબાણો ત્રણ કરોડ રૂપિયાની બજાર કિંમતની ૧૦૦૦૦.૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે. ભુજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીના જણાવ્યા મુજબ હાલ સુધી ૪૨૦૦૦.૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.જેની બજાર કિંમત ૨૫ કરોડ રૂપિયા થાય છે. મનીષ ગુરવાની જણાવ્યું હતું કે શહેરમાં થઇ રહેલ દબાણો અને અનઅધિકૃત બાંધકામો બાબતે પણ આજ રીતે ખુલ્લા કરાવવાની કામગીરી સતત ચાલુ રહેશે અને આ પ્રકારના દબાણ અંગેની પ્રવૃતિઓ કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જરૂર પડયે તો દબાણકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.દબાણ હટાવ કામગીરીમાં ભુજ મામલતદાર યુ.એ.સુમરા, સર્કલ ઓફિસર હરપાલસિંહ વાઘેલા,પોલીસ વિભાગ, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ.ની સંયુકત ટીમથી દબાણ હટાવ કામગીરી પાર પાડવામાં આવી હતી.