વીજળીના શુલ્કમાં લાંબા સમય માટે ભાવબાંધણું કરવાની પોલિસીથી ખાનગી કંપનીઓ ચિંતામાં
અગાઉ લોકડાઉનમાં મોટા વિજબિલથી વિજગ્રાહકોમાં મચેલા ઉહાપોહ બાદ સરકાર હવે વીજગ્રાહકોને ફાયદો કરાવવા કસી રહી છે કમર
સરકાર ગ્રાહકોને વીજળી દરમાં રાહત આપવાના મૂડમાં આવતા ખાનગી કંપનીઓ ખફા
ગુજરાત સરકારની નવી પાવર પોલિસી ખાનગી કંપનીઓને જર્ક આપવાની છે. કારણકે સરકાર દ્વારા ખાનગી કંપનીઓ સમક્ષ લાંબાગાળા માટે ભાવબાંધણું કરવાની પોલિસી મુકવામાં આવી છે જેને કારણે ખાનગી કંપનીઓ ચિંતામાં ગરક થઈ છે. આ પોલિસી સામે કંપનીઓનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજગ્રાહકોને ઓછાભાવે વીજળી મળે તેવા પ્રયાસો થઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા તેમાં અનેકવિધ વિઘ્નો આવી રહ્યા હતા.
અધૂરામાં પૂરું રાજ્યભરમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં મોટા બિલો બાબતે ગ્રાહકોમાં ભારે દેકારો મચી ગયો હતો. જેના પગલે વીજળી બાબતે સરકાર ઉપર પ્રજામાં રોષની લાગણી જન્મી હતી.
ઉપરથી આગામી સમયના આવતી ચૂંટણીઓમાં વીજળીનો મુદ્દો સરકારને નડતરરૂપ ન બને તે માટે સરકાર દ્વારા ખાસ નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસી મુજબ ખાનગી વીજ કંપનીઓએ લાંબા સમય માટે વીજળીના શુલ્કનું ભાવ બાંધણું કરવું પડશે. મતલબ કે જેટલો સમય નિયત કરવામાં આવશે તેટલા સમયમાં કંપની ભાવ વધારો કરી શકશે નહીં.
આ નવી પોલિસીથી કંપનીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આગામી સમયમાં વીજળીના ઉત્પાદનમાં જે જે સંસાધનોનો ઉપયોગ થાય છે.
તેમાં ભાવ વધારો આવતા જો કોસ્ટ ઉંચી જાય તો કંપનીને ખોટ સહન કરવાનો વારો આવે. આ મુદાના કારણે કંપનીઓમાં આ નવી પોલિસીનો વિરોધ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકડાઉનમાં મોટા બિલ આવ્યાની બુમરાળ ઉઠી હતી. જેને કારણે રાજ્યભરમાં જનઆક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે સરકાર વીજ ગ્રાહકોને રાહત આપવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ નવી પોલિસીથી વીજ ગ્રાહકોને લાંબા સમય સુધી એક સરખા ભાવે જ વીજળી મળી રહેશે. છેલ્લા ઘણા સમયથી વીજદરોમા થોડા થોડા સમયે વધારો નોંધાઇ રહ્યો છે. જો કે આ વધારો સામાન્ય જનતાની સમજ બહાર રહ્યો છે. પરંતુ જે જાગૃત વર્ગ છે તેઓને આ વધારો સતત ધ્યાનમાં રહે છે. હવે સરકાર થોડા થોડા સમયે થતા વીજ શુલ્કમાં વધારાને નિયંત્રણમાં રાખવા માંગતી હોય નવી પોલિસી બનાવવામાં આવી છે. પરંતુ આ નવી પોલિસી ખાનગી કંપનીઓને મંજુર ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. હવે જોવાનું એ રહ્યું કે આ પોલિસીની અમલવારી થાય છે કે કેમ? જો કે હવે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે વિજળી મુદે ગ્રાહકોને વધુ ભારણ સહન કરવું પડશે નહીં કારણ કે સરકારે વિજબીલના મુદા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યુ છે.