રોપ-વે ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયાના ચાર નિષ્ણાતોની ટીમ આવી તહેનાત: ૯-નવેમ્બરે લોકાર્પણ કરવા સરકારની સુચના
જૂનાગઢના ઉંચા ગઢ ગિરનાર ઉપર શરૂ થઈ રહેલ રોપ-વેની કામગીરી હવે આખરી તબક્કામાં પહોંચી છે, ત્યારે રોપ વેની ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયાના ચાર નિષ્ણાંતોની ટીમ જૂનાગઢ ખાતે આવી પહોંચી છે, અને તેઓ રોપવે માં ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે અને તેની સામે અકસ્માત ન થાય તે માટે શું કરી શકાય તે સહિતની અનેક બાબતો તપાસસે અને યોગ્ય રીતે કાર્યરત બને તે માટે ટેકનિકલી માર્ગદર્શન આપશે તથા કાર્ય કરશે.
સંભવત આગામી તા. ૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ તેનું લોકાર્પણ થાય તે માટે સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જોર જોરથી કામગીરી હાથ ધરાય છે, હવે રોપ-વેની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે.
દરમિયાન ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર રોપવેની આખરી ટ્રાયલ કરવા માટે અને રોપ-વે શરૂ કરાયા બાદ કઈ કઈ બાબતોની ભવિષ્યમાં મુશ્કેલીઓ આવે અને તેની સામે નુકસાની ન થાય તે માટે કેવા પગલાં અને સાવચેતી રાખવી જોઈએ તે માટે ઓસ્ટ્રેલિયાન કંપનીની નિષ્ણાંતોની એક ટીમ જૂનાગઢ ખાતે બોલાવી છે, અને તેમના દ્વારા નિરીક્ષણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગિરનાર રોપ-વે માટે ઓસ્ટ્રેલિયન કંપની સાથે ઉષા બ્રેકો કંપનીએ ટેકનિકલ માર્ગદર્શનના કરાર કર્યા છે, અને આ કરાર મુજબ જૂનાગઢ આવી પહોંચેલ ઓસ્ટ્રેલિયાની ચાર થી છ સભ્યોની નિષ્ણાંતોની ટીમ કોરોના મહામારીના કારણે સ્થાનિક કે કોઈપણ વ્યક્તિને ન મળવાની અને કોઈને નજીક ન આવવા દેવાની શરતે જૂનાગઢ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.