પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો આંદોલન અને અદાલતનો આશરો: કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને જશવંતસિંહ ભટ્ટીએ જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં આવેલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ ગેરરીતી અને ગંભીર છબરડા થવાની પોલ અવારનવાર ખુલતી હોય છે અને કોઈ જ અધિકારી સિવિલ હોસ્પિટલમાં ચીવટ પૂર્વક દર્દીની સારસંભાળ લેતા નથી તેવી અનેકવખત રાવ મળતી રહે છે.
બનેલ બનાવનો વિડીયો વાઈરલ થયેલ છે જેમાં કોવીડ-૧૯ ની ફરજ ઉપર રહેલા સ્ટાફે અને સિક્યુરીટી ગાર્ડો દ્વારા પ્રભાકર પાટીલને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને માનસિક અસ્થિર હોવાનું અધિક્ષક દ્વારા ખોટીરીતે જાહેર કરવામાં આવ્યું છે તેની સામે આજરોજ કોંગ્રેસના આગેવાનો અને સમસ્ત મરાઠી સમાજ-રાજકોટ દ્વારા રાજકોટ કલેકટરશ્રીને આવેદન પાઠવ્યું છે જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી તેઓ સારીરીતે ઘરસંસાર ચલાવતા હતા અને તેઓને ૨ બાળક પણ છે અને કારખાનામાં મજુરી કામ કરવા પણ જતા હતા આથી પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી તેવી રજુઆતો કરવામાં આવેલ છે.
રાજકોટમાં ગુજરાત સરકારના કોરોનાની મહામારીના પ્રભારી તરીકે બિરાજમાન રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા ટોટલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને કોરોનાની મહામારીમાં તેઓની ફરજમાં નિષ્ફળ ગયેલ છે અને ગુજરાત સરકાર એક નાટકીય ઢબે ગુજરાતના આરોગ્ય સચિવશ્રી જયંતી રવિને દસ દિવસ રાજકોટના ઘામાં નખાવ્યા અને હાલ ગઈ કાલથી ફરી ઘામાં નાખી બેઠા છે છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઈ કામગીરીમાં સુધારો થયેલ નથી જયંતી રવી માત્ર રાજકોટમાં બેસી અને નાટક કરી રહ્યા છે તે ગઈ કાલની બને ઘટનાઓથી સ્પષ્ટ થઇ રહ્યું છે. સ્વ. પ્રભાકર પાટીલના બનાવમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે અને ગુન્હેગારો સામે પગલા લેવામાં નહી આવે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને આંદોલન તેમજ હાઈકોર્ટ જવાની ફરજ બનશે.તેવું અંતમાં જણાવ્યું છે.