સાત પગલા ખેડુત કલ્યાણ યોજના અંતર્ગત વધુ બે પગલા પ્રાકૃતિક ખેતી માટે સહાય યોજનાનું મુખ્યમંત્રી દ્વારા કરાયું ઈ-લોકાર્પણ
આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વધુ બે પગલા પ્રાકૃતીક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ નિર્દેશનમાં સહાય યોજનાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે તાલાળા ખાતે રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને આર્થિક સહાય અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ૩૫૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતિ સાથે દેશી ગાયના નિભાવ માટે પ્રત્યેક ખેડુતને રૂ. ૧૦૮૦૦ મુજબ રૂ.૩.૭૮ કરોડની સહાય મળશે. તેમજ જીવામૃત માટે ૨૪૨૫ ખેડૂતોને રૂ.૩૨.૭૩ લાખની સાધન સહાય મળશે.
રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સરકારએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સંવેદનશીલ સરકારે ખેડૂતોની ચિંતા કરી ખેડૂત આત્મનિર્ભર થાય તે દિશામાં કામ કરી રહી છે. ખેડૂતોની સરકારે ઓછા વ્યાજે દરે તેઓને લોન આપવામાં આવી રહી છે. નાયબ ખેતી નિયામક ડી.એસ.ગઢીયાએ શાબ્દિક સ્વાગત કરી યોજનાકીય માહિતી આપી હતી.રાજ્યકક્ષાએ પ્રગતિશીલ ખેડૂતનું બિરુદ મેળવનાર લોઢવાના ખેડૂત હીરાભાઈ ભગવાનભાઈ વાઘને પ્રાકૃતીક ખેતી કરવા બદલ રૂા.૫૦ હજાર, જિલ્લાકક્ષાના પ્રગતિશીલ મંડોરણા ખેડૂત બાલકૂષ્ણભાઈ નંદાભાઈ પટોળીયાને મૂલ્યવર્ધન પેકિંગ અને નવીન વ્યુહરચના કેસર કેરી માટે રૂા.૨૫ હજાર, અને તાલુકાકક્ષાના પ્રગતીશીલ ખેડૂત હડમતીયાના રીનાબેન ટિંબડિયા, પીપળવાના હરદાશભાઈ બામરોટીયા, માધુપુરના દિનેશભાઈ ઠુમર, લોઢવાના નીતાબેન કછોટ, હરણાસાના શોભનાબેન નાઘેરા, સુત્રાપાડાના સામતભાઈ રામ, ખેરા ગામના ઉજીબેન નકુમ, ગોરખમઢીના જીવાભાઈ સોલંકી, વાવડીના શામજીભાઈ ચુડાસમા, નાખડામા ગીગાભાઈ પંપાણિયા અને ચમોડાના નાથાભાઈ મોરી સહિત તમામ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા પ્રગતીશીલ ખેડૂતને રૂા.૧૧૦૦૦ હજારનો ચેક અને મોમેન્ટ આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના મંજુરીપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તાલાળા, સુત્રાપાડા અને વેરાવળ તાલુકાકક્ષાના યોજાયેલ આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વાધમશી, અગ્રણી ધીરૂભાઇ સોલંકી, મહેન્દ્રભાઈ પીઠીયા સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ ખેતી નિયામક નિશાન બી ચૌહાણ અને આભારવિધી વી.કે.પરમારેકરી હતી.