“મોત પછી પણ શાંતિ નથી!”
માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોપી દીધા પછી હોસ્પિટલ અને પોલીસને થઇ દોડદામ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાલતી બેદરકારી અંગે અવાર નવાર અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ તેના પોસ્ટમોર્ટમ કરવાની હોસ્પિટલ તંત્રની જવાબદારી છે એટલી પોલીસની પણ જવાબદારી પોસ્ટમોર્ટમ કરાવવાની હોય છે. પરંતુ ગમે તે કારણોસર ગોંડલ પાસે એક સપ્તાહ પુર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું પોસ્ટમોર્ટમ થયા વિના મૃતદેહ પરિવારજનોને સોપી દેવામાં આવ્યા બાદ પોસ્ટમોર્ટમ ન થયાનું હોસ્પિટલ તંત્રના ધ્યાને આવતા તબીબો અને પોલીસને દોડધામ થઇ ગઇ હતી અને ગોંડલ સ્મશાને અંતિમ વિધી માટે પહોચેલા મૃતદેહને પરત રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવો પડયોની ગુનાહીત બેદરકારી સામે આવી છે.
મૃત્યુ બાદ પણ શાંતિ ન હોય તેવી જ વિચિત્ર ઘટનામાં બેદરકારી કોની તે અંગે તપાસ થવી જરૂરી છે. પરંતુ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે તે પહેલાં રીતસર ચક્રાવે ચડયા હતા ગોંડલ ખાતે સ્મશાન ગૃહેથી મૃતદેહને પર લાવ્યા બાદ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોલીસે જરૂરી પંચાનામની કાર્યવાહી પુરી કરી હતી. મૃત્યુ પછી આત્માને નહી પણ મૃતદેહને પણ ઘુમાવવામાં આવ્યો છે. ગોંડલના ૭૦ વર્ષના વૃધ્ધને મૃત્યુ બાદ રાજકોટ અને ગોંડલ વચ્ચે સફર કરવી પડી છે.
ગત તા ૧૨ ના રોજ ગોંડલના ગાયત્રી શક્તિપીઠ પાસે સિદ્ધારથનગરમાં રહેતા મજૂરીકામ કરતા બટુક પોપટભાઈ કંડોરિયા ( ઉ.વ ૭૨ ) એ સાંજે પોતાનું બાઈક લઇ બજારમાંથી ખરીદી કરી સાંજે પોતાના ઘરે જતા હતા. ત્યારે ગોંડલ આશાપુરા ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચાલક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી નાશી છૂટી હતી. અકસ્માતના બનાવમાં ઘવાયેલા વૃદ્ધને સ્થાનિક લોકોએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એક અઠવાડિયાની સારવાર બાદ આજે ખાંટ વૃધ્ધે વહેલી સવારે મોત નીપજ્યું હતું . ઇમરજન્સી વિભાગના ફરજ પરના તબીબે મૃતદેહના કાગળો આપી ડેડબોડીને શબવાહિની મારફતે ગોંડલ પરિવારજનો સાથે રવાના કરી દીધી હતી. બાદમાં અકસ્માતના કિસ્સામાં મૃત્યુ પામનાર ખાંટ વૃઘ્ધનું પોલીસનું પંચનામું અને પોસ્ટમ મોર્ટમ કરવાનું બાકી રહી ગયાની જાણ થતા ડોકટરીની ટીમને ૨ કલાક બાદ ગંભીર ભૂલ સમજાઈ હતી. તાકીદે સિવિલ પોલીસ ચોકી તથા ગોંડલ ગ્રામ્ય પોલીસ ને મૃતકના સગાને ફોન કરવાનું શરુ કર્યું હતું. ગોંડલમાં ખાંટ વૃદ્ધને સ્માશનમાં અગ્નિ સંસ્કાર માટેની લઈ જવાની તૈયારી ચાલી રહી હોય, ડોક્ટર અને પોલીસના ફોન રણકવા લાગ્યા હતા. અકસ્માતના બનાવમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફાજિયાત હોય અને પંચનામું પણ પોલીસને કરવાનું બાકી રહી ગયાનું સ્થાનીક પોલીસ અને ડોક્ટરની ટીમે મૃતકના સ્વજનોને જણાવી હતી.
રાજકોટ થી ગોંડલ મૃતદેહ લઇ ગયા બાદ અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી. ફરી પોલીસ અને ડોકટરના ફોન રણકતા મૃતદેહને સ્મશાનઘાટની જગ્યાએ ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે લઈ જવાનું કહેતા ખાંટ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇમરજન્સી વિભાગના ડોક્ટર અને પોલીસ સ્ટેશનના સંકલનના અભાવે સર્જાયેલી ઘોર બેદરકારીમાં જવાબદાર સામે સિવિલ અધિક્ષક કડક પગલાં લે તેવી મૃતકના સ્વજનોએ માંગ કરી હતી.