ભારતને વૈશ્વિક વેપાર-ઉદ્યોગ મંચ પર વધુ મજબૂત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામે ઓટો, સંરક્ષણ, આઈટી ક્ષેત્રની આયાત નિર્ભરતા ઘટાડવા ઘરેલુ ઉપલબ્ધીઓ અને હાજર વસ્તુનો વૈકલ્પિક ઉપયોગ કરવાનું શીખી લઈને આત્મનિર્ભર ભારતને વધુ સુદ્રઢ બનાવવામાં સફળતા મેળવી
ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની મહેચ્છા સાથે દેશનો વિકાસ આગળ વધી રહ્યો છે ત્યારે ભારતને સધ્ધર અને પગભર બનાવવા માટે આયાત ક્ષેત્રને સીમીત કરવાની આવશ્યકતા છે. સરકારના અનેકવિધ આયોજનો અને ઉદ્યોગલક્ષી ઉદાર પગલાથી દેશના અનેક ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટને સાકાર કરવા માટે આયાતની અવેજીનો ઉપયોગ કરતા શીખી ગયા છે અને ભારત અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત અત્યારે ૧૪ લાખ કરોડની આયાતની અવેજી માટે આત્મનિર્ભર બની ચુકયું છે. ઓટો, સંરક્ષણ, આઈટી અને ફાર્મા ક્ષેત્રની આયાત માટે હવે ભારતને કોઈનું ઓશિયાળુ બનવાની જરૂર નથી. અનેક ક્ષેત્રોમાં ભારતે આયાત ઘટાડવા માટે વૈકલ્પીક વસ્તુના ઉપયોગ માટે સ્વયંમ શિસ્ત કેળવી લઈને વેપાર-વ્યવહારમાં પણ ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ૧૪ લાખ કરોડની આયાત અવેજી ભારતના આત્મનિર્ભર બનવાની આગેકુચ બની રહી છે.
દેશના આત્મનિર્ભર બનાવવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા અનેક ક્ષેત્રો જેવા કે ઈલેકટ્રોનિક, સંરક્ષણ, સરંજામ, ફાર્માસ્યુટીકલ અને અન્ય કેટલાય ક્ષેત્રો ૧૪ લાખ કરોડથી વધારાના આયાત ક્ષેત્રને સીમીત કરવા માટે અવેજી વસ્તુઓના ઉપયોગથી નિકાસ ક્ષેત્રને સીમીત કરવામાં સફળ રહ્યાં છે.
એક્ઝિમ બેંકના એક અભ્યાસમાં ઘણા એવા ક્ષેત્રોની ઓળખ મળી છે કે, જેમણે આયાતની અવેજીમાં ઘરેલુ ઉત્પાદનોનો વપરાશ વધારી દીધો છે. જેમાં યાંત્રીક, રાસાયણીક અને સહયોગી ક્ષેત્રોની સાથે સાથે ખાસ કૃષિ ઉત્પાદનોમાં ઘરેલુ વૈકલ્પીક અવેજી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બહારથી વસ્તુઓ ન મંગાવી પડે તેવી સ્થિતિ ઉભી કરી છે. એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે, ઓટો સ્પેર પાર્ટસ, લોખંડ, પોલાદના ક્ષેત્રો દેશમાં ઉપલબ્ધ ચીજવસ્તુનો ઉપયોગ કરીને આત્મનિર્ભર અભિગમને વધુ મજબૂત બનાવવામાં પરિણામો મળી રહ્યાં છે. જો કે, હજુ કેટલાક પેટા વિભાગોમાં ચીનની ભાગીદારી અનિવાર્ય રહી છે તે પણ આવતા દિવસોમાં ઓછી થશે. ઉત્પાદનના હાઈટેક ટેકનોલોજી અને કાચી વસ્તુઓની મર્યાદાને લઈને ક્યાંકને ક્યાંક ખનીજ સંપદાની આયાત માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે ત્યારે અનેક ક્ષેત્રોમાં ભારતે આયાતી અવેજીનો વિકલ્પ પસંદ કરીને ૩૯ ટકા જેટલા આયાતને ઘટાડ્યું છે અને ૫૦ ટકા જેટલા બિન તૈલી ચીજવસ્તુઓનો ઘટાડો કરીને ૧૪ લાખ કરોડ રૂપિયાની અવેજી વ્યવસ્થા ઉભી કરી છે. એ.રાધારમણે કરેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, એક્ઝિમ બેંકના આ તારણમાં દેશના ઔદ્યોગીક ક્ષેત્રએ વૈકલ્પીક અવેજીમાં વસ્તુના ઉપયોગથી આયાત ક્ષેત્રમાં ૧૫.૧ ટકાનો ઘટાડો કર્યો છે. ૨૦૧૦-૧૧માં આ ટકાવારી ૧૮.૪ની હતી. આ વર્ષે ઘટીને ૧૫.૧ની થઈ છે.
ઘરેલું ચીજવસ્તુઓના ઉત્પાદનમાં રહેલી મર્યાદાઓને દૂર કરીને તેને પ્રોત્સાહન આપવાની સરકારની નિતીના પરિણામો મળ્યા લાગ્યા છે. ચીન સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓના બદલે ઘર આંગણે જ ઉપલબ્ધ થતી વસ્તુઓનો ઉપયોગ દેશ માટે મહત્વનું બન્યું છે. દા.ત. બ્રાઝીલમાંથી આપણે કોફીની આયાત કરીએ છીએ. બ્રાઝીલની આ નિર્ભરતા ઓછી કરવા માટે ભારતમાં ઘરેલું હાથવગી વસ્તુ એવી ચાનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. આ જ રીતે કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગીક એકમોએ ઘરેલું ઉત્પાદનો અને હાથવગી વસ્તુના વપરાશ વધારીને બહારથી વસ્તુ મંગાવી ન પડે તેવો માહોલ ઉભો કર્યો છે. ટેકનોલોજી અને ઘરેલું ઉત્પાદનમાં પણ આ જ રીતે આયાત અને અન્ય દેશોની નિર્ભરતામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ઉત્પાદન નવી ઉપલબ્ધીઓને પ્રોત્સાહન આપી ઉત્પાદનને લગતે અછત અને કર ભારણ અને કર વ્યવસ્થાને સુદ્રઢ બનાવી સંયુક્ત રીતે સરકાર આખા ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં સફળ રહી છે.
એક્ઝિમ બેંકના ડાયરેકટર ડેવીડ રસ્કીન્હાએ વેબીનારને સંબોધતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આ આત્મનિર્ભરતા વિશ્ર્વમાં ધ્યાન આકર્ષક બની છે. ઘરેલું ચીજવસ્તુનું ઉત્પાદન કરી આયાત ક્ષેત્ર ઘટાડવા ભારત મહદઅંશે સફળ થયું છે. ભારતના આ અવેજીના ઉપયોગ થકી દેશ આત્મનિર્ભરતા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યો છે.