અગાઉ રાજ્ય સરકારે ૨૧ સપ્ટેમ્બર બાદ વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક શાળાએ જવાની છૂટ આપતો જે નિર્ણય કર્યો હતો તે પાછો ખેંચાયો
આજે મળેલી કેબિનેટની બેઠકમાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ હવે પછીનો નિર્ણય લેવામાં આવશે.
કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા ૨૧ સપ્ટેમ્બર પછી ધોરણ ૯થી ૧૨ માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-૪ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ ૯ થી ૧૨માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.
જ્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા માટે મળેલી બેઠકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. ૨૧મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે. જેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે.
અઠવાડીયા પહેલા કેન્દ્રએ ધો.૯થી ૧૨સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા મંજૂરી આપી હતી
આ અંગે અઠવાડીયા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ ૯થી ધોરણ ૧૨સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (જઘઙ) જારી કરી હતી. જેને પગલે ૨૧ સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે મંત્રાલયે કહ્યું હતું કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે ૧૫ માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૬ માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે ૨૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ ૬ મહિનાથી સ્કૂલો બંધ છે.