લોકોને મહત્તમ લાભ લેવા પટેલ સેવા સમાજની અપીલ: સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન કોરોના ટેસ્ટ: તુરત રિપોર્ટ મળશે
કોરોનાની મહામારીએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં મહામારીની સ્થિતિ વિસ્ફોટક બની છે. કોરોના મહામારીને પ્રસરતો અટકાવવા તેની સાંકળ તોડવી ખુબ જ જરૂરી છે. આ સ્થિતિમાં શકય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું જેથી સંક્રમણ ન લાગે તથા આપને સંક્રમિત નથી તેની ચકાસણી પણ એટલી જ જરૂરી છે. આ પરિસ્થિતિમાં જનસમુદાયમાં વધુમાં વધુ કોરોના એન્ટીજન્ટ રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ બીડુ ઉઠાવ્યું છે. જેમાં સહયોગ આપવો આપણી ફરજ છે તેમ સમજી પટેલ સેવા સમાજ સંચાલિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે તા.૧૬/૯ને બુધવારે સવારે ૯ થી ૧૨:૩૦ દરમ્યાન કોરોના ટેસ્ટ તથા હેલ્થ કેમ્પનું નિ:શુલ્ક આયોજન તમામ લોકો માટે કરાયું છે.
આ અંગેની વિગત આપતા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ)એ જણાવ્યું હતું કે, રાજકોટમાં મહતમ લોકો આ ટેસ્ટ કરાવે તે જરૂરી છે તેનાથી વ્યકિતગત રીતે આપણે તથા આપણા પરિવારને સુરક્ષિત રાખી શકીશું તો બીજી તરફ કોરોનાની સાંકળ તોડી રાજકોટમાં કોરોનાની મહામારી વકરતી અટકાવવામાં પણ યોગદાન આપી શકીશું. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં વિવિધ જ્ઞાતિ-સમાજની અનેક સંસ્થાઓ સમાજ કલ્યાણનું બેનમુન કામ કરે છે. પ્રવર્તમાન સમયમાં આ સંસ્થાઓ પોતાની સંગઠિત શકિતને કામે લગાડી આ પ્રકારના કોરોના ટેસ્ટ અને હેલ્થ ચેકઅપ કેમ્પ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજવા આગળ આવે તે સમયનો તકાજો છે. જો બહુમોટાપાયે ટેસ્ટીંગ પાર પડે તો સંક્રમિત લોકોની ઓળખ થાય અને કોરોના વકરે તે પહેલા તેમની સારવાર સફળતાથી હાથ ધરી શકાય.
તેમણે ખાસ ઉમેર્યું હતું કે, ટેસ્ટનો કોઈ હાઉ કે ડર રાખવાની જરૂર નથી. નિષ્ણાંત તબીબો માત્ર ૧૫ થી ૨૦ સેક્ધડમાં સેમ્પલ લઈ લે છે. સેમ્પલ લેવામાં કોઈ દુ:ખાવો કે પીડા કે મુશ્કેલી થતી જ નથી. એ પછી ૧૦ મીનીટમાં રીપોર્ટ સ્થળ પર જ જણાવી દેવામાં આવે છે. કોઈએ રીપોર્ટ પોઝીટીવ આવે તો પણ ગભરાવવાની જરૂર નથી. કારણકે જો પોઝીટીવ રીપોર્ટ હોય તો ત્યારપછીના બીજા જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી અત્યંત જરૂરી હોય તો જ દવાખાને દાખલ થવાની દર્દીને ભલામણ કરવામાં આવે છે. બાકીના કિસ્સામાં દર્દીને ઘેર સારવાર લેવાનું સુચવવામાં આવે છે. માટે સૌ કોઈએ ડર કે સંકોચ રાખ્યા વગર ટેસ્ટ કરાવવો જોઈએ તેવી અપીલ અરવિંદભાઈ પટેલે કરી હતી.