પોલીસ વિભાગમાં ૧૩૭ પીઆઈ, ૫૩૬ પીએસઆઈ, ૨૧૩૦ કોન્સ્ટેબલ સહિતના જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કવાયત
ગૃહ વિભાગે ભરતી માટે આપી મંજૂરી : કોરોનાને કારણે બજેટમાં કાપ મુકાતા ભરતીમાં ૨૯૦૦ જગ્યાઓ ઘટાડાઇ
રાજ્યમાં સુરક્ષાને વધુ સઘન બનાવવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે.જેના ભાગરૂપે ગૃહ વિભાગ દ્વારા ૭૬૧૦ પોલીસ જવાનોની ભરતી મંજુર કરવામાં આવી છે. બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં મોટી ભરતી આવી ન હોય ખાખી પહેરવા ઉત્સુક યુવાનો ભરતીની મીટ માંડીને બેઠા હતા. અને અંતે ભરતી જાહેર થઈ છે.
રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે રૂપાણી સરકાર દ્વારા તાજેતરમાં ઘણા મહત્વના કદમ ઉઠાવવામાં આવ્યા છે. જેમાં અનેક કાયદાઓમાં ફેરફાર કરી તેને કડક પણ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં શાંતિ જળવાઈ રહે ગેરકાનૂની પ્રવૃતિઓ અટકે તેવા ધ્યેય સાથે રૂપાણી સરકાર હાલ કાર્ય કરી રહી છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા ઉપર હાલ વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં આ મુખ્ય જવાબદારી જેમના શિરે છે તે પોલીસ વિભાગનું કામનું ભારણ હળવું કરવા તેમજ સુરક્ષાને વધુ સઘન બનાવવા રાજ્ય સરકારે પોલીસની મોટી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ ૭,૬૧૦ નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ ૧૦,૫૦૬ જગ્યા મંજૂર કરાઈ હતી અને તે માટે ૧૧૫.૧૦ કરોડની જોગવાઇ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં ૧૦૦ કરોડનો કાપ મુકાતા ૧૫.૧૦ કરોડની જોગવાઈ મુજબ ૭,૬૧૦ જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.
આ ભરતી ટૂંક સમયમાં કરાશે.જેમાં ઇન્ટેલિજન્સમાં ૧૨૭ પોસ્ટ પર પણ ભરતી કરાશે. વધુમાં ભરતીની વિગતો જોઈએ તો પોલીસ મહાનિરીક્ષકની ૧ જગ્યા,
પોલીસ અધિક્ષકની ૩ જગ્યા, બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષકની ૧૪ જગ્યા, હથિયારી નાયબ પોલીસ અધિક્ષકની ૪ જગ્યા, મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની ૧ જગ્યા, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ૩૮૩ જગ્યા, હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ૧૦૭ જગ્યા, હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની ૫૨ જગ્યા, મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ૨ જગ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) ની ૩ જગ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની ૩૦ જગ્યા, બિનહથિયારી એએસઆઈની ૩૨૫ જગ્યા, બિનહથિયારી હેડ કોન્સ્ટેબલની ૯૫૨ જગ્યા, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૨૧૩૦ જગ્યા, હથિયારી એએસઆઈની ૨૧૩ જગ્યા, હથિયારી હેડ કોન્સ્ટેબલની ૪૭૩ જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૧૭૯૫ જગ્યા,
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની ૧૦ જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસરની ૪૨ જગ્યા, આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરની ૭૫ જગ્યા, રેડિયો ટેક્નિશિયનની ૧૨ જગ્યા, કચેરી અધિક્ષકની ૨ જગ્યા, અંગત મદદનીશની ૪ જગ્યા, મુખ્ય કારકૂન ની ૬ જગ્યા, સિનિયર ક્લાર્કની ૨૦ જગ્યા, જુનિયર ક્લાર્કની ૨૩ જગ્યા, વાયરલેસ મેસેન્જર ની ૩ જગ્યા, મહિલા એએસઆઈની ૪ જગ્યા, મહિલા હેડ કોન્સ્ટેબલની ૧૪ જગ્યા, મહિલા પોલીસ કોન્સ્ટેબલની ૧૦ જગ્યા, મેડિકલ ઓફિસરની ૧ જગ્યા, ડોગ હેન્ડલરની ૮૯ જગ્યા, સફાઇ કામદારની ૪૯ જગ્યા, કેનાલ બોયની ૧૪ જગ્યા, પટાવાળાની ૧૬ જગ્યા, ફોલોવર્સની ૧૯ જગ્યા અને ડ્રાઇવરની ૬૦૦ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.