પિસ્તોલ વેચવા આપનાર ગોંડલના શખ્સ અને ખરીદનાર ગ્રાહક સામે નોંધાતો ગુનો ; રૂ. ૧૫ હજારમાં પિસ્તોલનો સોદો થયાનું રટણ
શહેરના ગોંડલ ચોકડી પાસેથી આજીડેમ પોલીસે લોડેડ પિસ્તોલ સપ્લાય કરવા આવેલા ગોંડલના શખ્સને ઝડપી પાડી તેને પિસ્તોલ વેચાણ અર્થે મોકલનાર ગોંડલના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ ચોકડી પાસે થેલામાં પિસ્તોલ રાખી વેચાણ અર્થે ગોડલનો શખ્સ ઉભો હોવાની ચોક્કસ બાતમીના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. ડી. વાળની ટીમે દરોડો પાડી ગોંડલના મોટી બજાર સંઘાણી શેરીમાં રહેતા પરાગ જેન્તીભાઈ સખિયા નામના ૧૯ વર્ષના યુવાનને ઝડપી લીધો હતો અને તેના બેગમાંથી ત્રણ કાર્ટિસ લોડ કરેલી દેશી બનાવટની પિસ્તોલ આજીડેમ પોલીસે ઝડપી પાડી હતી. ગોંડલમાં જ રહેતા સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહેલના કહેવાથી તે આ હથિયાર વેચવા રાજકોટ આવ્યો હોવાનું શખ્સે આજીડેમ પોલીસે કબૂલાત આપી હતી. રાજકોટ પહોંચ્યા બાદ તેને લાલો કહે તે શખ્સને રૂ.૧૫ હજારમાં આ પિસ્તોલ આપવાની હતી. ક્યા શખ્સને પિસ્તોલ આપવાની હતી, તેનું નામ તે જાણતો નથી. આ કેફીયતમાં કેટલું તથ્ય છે તે પોલીસ ચકાસી રહી છે.
પોલીસે સાગર ઉર્ફે લાલાને પણ આરોપી બનાવી તેની શોધખોળ શરૂ કરી છે. તે પકડાયા બાદ જ રાજકોટના ક્યા શખ્સે આ પિસ્તોલ મંગાવી હતી તેની માહિતી બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
સાગર કેટલાક ગુનામાં વોન્ટેડ હોવાની વાત પોલીસ પાસે પહોંચી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પોલીસને મળી નથી.