કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ કવોરોન્ટાઇન રહેવાને બદલે તબીબો સામાન્ય દર્દીઓનું નિદાન કરતા હોવાથી ચેપ ફેલાવાની ભીતી
કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કોવીડ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ પરત ફરીને પોતાની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા ઉપરાંત સારવાર આપી રહ્યા હોવાની ફરીયાદો કેશોડવાસીઓમાં થઈ રહી છે, અને જો આમ ચાલશે તો, કેશોદ પંથકમાં કોરોના સંક્રમણ વધશે તેવી દહેશત લોકોમાં ફેલાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક કક્ષાએ ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરી ધારાધોરણ પ્રમાણે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓની સારવાર કરવાની મંજુરીઓ આપવામાં આવી છે. જીલ્લા મથકે અને કોરોના સંક્રમણ વધારે હોય આવાં વિસ્તારમાં ખાનગી ડોક્ટરો ને આદેશ કરી સરકારી દવાખાનામાં માનદ વેતન સાથે સેવા લેવામાં આવી રહી છે. કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબોને જીલ્લા મથકે સેવા આપવા જવું ન પડે અને પોતાની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવી ન પડે એટલે કેશોદમાં માંદગીનાં ખાટલે પડેલી હોસ્પિટલની જગ્યા દર્શાવી, કેશોદના આઠેક ખાનગી તબીબો દ્વારા સરકાર માંથી આરોગ્ય વિભાગને સાથે રાખી, કોવીડ-૧૯ હોસ્પિટલ ની મંજુરી મેળવી છે.
કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં દર્દીઓની સારવાર કરવા માટે શીફટ નક્કી કરવામાં આવેલ છે. અને કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કોવીડ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ પરત ફરીને પોતાની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા ઉપરાંત સારવાર આપી રહ્યા હોવાની ચર્ચા છે.
કેશોદ શહેરમાં ખાનગી હોસ્પિટલના આઠેક તબીબો દ્વારા નિયમિત પોતાની ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને તપાસવામાં આવે છે, ત્યારે બધાનો આંકડો મેળવી આપીએ તો નિયમિત હજારો જેટલાં વ્યક્તિઓનાં સંપર્કમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો આવે છે ત્યારે સંક્રમણથી કોરોના વાયરસ ફેલાવાની ચિંતા દર્દીઓ દ્વારા થઈ રહી છે.
કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને લેબોરેટરીમાં તપાસ કરતાં કર્મચારીઓ પણ પોતાની નોકરી પુરી કરી હોમ કવોરન્ટાઈન રહેવાને બદલે જાહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે જેઓને કોઈ રોકવાવાળું કે ટોકવા વાળું નથી એવી પણ લોકો માથી ઊઠવા પામી છે.