હાડફોડી અને સમઢીયાળા વચ્ચેનો પુલ બેસી જતા વાહન વ્યવહાર ઠપ્પ
કાથરોટા ગામે વીજળી પડતા ભેંસનું મોત
મોજ-વેણુ ડેમના દરવાજા ખોલાતા નદીઓમાં ઘોડાપુર
ચાલુ સાલ મેઘરાજાએ જાણે કોરોના વચ્ચે મુકામ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. શ્રાવણ માસમાં મેઘરાજાએ ધનાધન વરસી જતા તાલુકાને પાણી પુરુ પાડતા ત્રણેય ડેમ છલકાવી દીધા બાદ છેલ્લા બે દિવસથી ભાદરવામાં પણ મેઘો ભરપુર વરસી રહ્યો છે. પંથકમાં ત્રણથી સાત ઈંચ જેવો વરસાદ વરસી જતા ખેડુતના પાકને નુકસાની પહોંચી રહી છે.
ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ શહેર ઉપર હેત વરસાવતા સાંજ સુધીમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. બે દિવસમાં શહેરમાં ૬ ઈંચ કરતા વધુ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ત્રણથી સાત ઈંચ વરસાદ વરસી ગયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાદર નદી વિસ્તાર પટી લાઠ, ભિમાોરા, કુઢેચ, મજેઠી ગામોમાં પાંચ-પાંચ ઈંચ કરતા વધુ વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. તાલુકાના કાથરોટા ગામે સમીસાંજે પટેલ ખેડુત રમેશભાઈ લાલજીભાઈ રૂપાપરાની વાડીમાં વિજળી પડતા વાડીએ બાંધેલી દોઢ લાખની કિંમતની ભેસનું મોત નિપજયું હતું. વિજળી પડવાથી ખેતરમાં પણ નુકસાન થયેલ છે.
જયારે ઉપલેટા અને પાટણવાવ વચ્ચે હાડફોડી અને સમઢીયાળા વચ્ચે આવેલ પુલની એકબાજુની સાઈડમાં બેસી જતા વાહન વ્યવહાર બંધ થયો છે. જેથી હવે વાહન ચાલકોને ૨૦ કિમી ભોલગામડી ફરીને જવુ પડશે. શહેર અને તાલુકાને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પુરુ પાડતા મોજ, વેણુ, ભાદર-૨ ડેમ વિસ્તારમાં વરસાદ પડવાને કારણે આ ત્રણેય ડેમના દરવાજા રાત્રે ફરીવાર ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જયારે પાનેલી ગામે લીમડા ચોકમાં આવેલ જુનવાણી દુકાનની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદનશીબે કોઈને જાનહાની થવા પામી નથી.