- રાત્રે પણ ધીમીધારે શહેરમાં અડધો ઈંચ જેટલું પાણી વરસ્યું: શહેરમાં મોસમનો ૪૭ ઈંચ જેટલો વરસાદ
અબતક, રાજકોટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરના કારણે રાજયભરમાં વરસાદનો નવો રાઉન્ડ શ થયો છે. રાજકોટમાં પણ શુક્રવાર સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. ગત મધરાત્રે પણ વિજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. ચોમાસાની સીઝનમાં ૪૭ ઈંચ જેટલો વરસાદ પડવા છતા હજી વાતાવરણમાં ઠંડક જોવા મળતી નથી. આજે સતત ઝાપટાના કારણે અસહય બફારાનો અહેસાસ થતો હતો.
મેઘરાજાએ મહેર કરતા શહેરમાં ઓગસ્ટ માસમાં જ સિઝનનો ૧૫૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સપ્ટેમ્બરના આરંભથી વરસાદે વિરામ લેતા એવું લાગી રહ્યું હતું કે, હવે ચોમાસું પૂર્ણતાના આરે છે. દરમિયાન અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનો નવો રાઉન્ડ શુક્રવારથી શ થવા પામ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૨ જિલ્લાના ૧૭૬ તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડી પાંચ ઈંચ જેટલો વરસાદ પડયાનું નોંધાયું છે. આગામી ત્રણ દિવસ હજી મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા-દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. સમયાંતરે શહેરમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. ગત મધરાતે ૧૧ વાગ્યે શહેરમાં વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. સવાર સુધીમાં અડધો ઈંચ પાણી પડયું હોવાનું નોંધાયું છે. ફાયર બ્રિગેડના રેકોર્ડ પર સેન્ટ્રલ ઝોનમાં ૮ મીમી (મોસમનો કુલ ૧૧૪૩ મીમી), વેસ્ટ ઝોનમાં ૭ મીમી (મોસમનો કુલ ૧૧૩૦ મીમી) અને ઈસ્ટ ઝોનમાં ૭ મીમી (મોસમનો કુલ ૧૦૩૫ મીમી) જયારે કલેકટર કચેરી સ્થિત ફલ્ડ કંટ્રોલ મ ખાતે ૮ મીમી (મોસમનો કુલ ૧૧૬૧ મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.આ વર્ષે ચોમાસાની સિઝનમાં રાજકોટમાં ૪૭ ઈંચ જેટલો વરસાદ પડયો છે એટલે સિઝનમાં ૧૫૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે છતાં વાતાવરણમાં ઠંડક જોવા મળતી નથી. આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસાદના ઝાપટા પડવાના કારણે અસહય ઉકળાટનો અનુભવ થતો હતો. રાજકોટમાં આવતીકાલે રવિવારે અને સોમવારે પણ વરસાદ પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. મેઘરાજાની બલીહારીથી શહેરની જળજરીયાત સંતોષતા તમામ પાંચેય જળાશયો ઓગસ્ટમાં છલકાય ગયા છે.