ગત લાંબા સમયમાં ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યો હતો. અવાર-નવાર ગોળીબાર સહિતનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો હતો. તેવા સંજોગોમાં મોસ્કો ખાતે યોજાયેલી શાંઘાઈ સલાહકાર સમીતીની બેઠકમાં રશિયાની મધ્યસ્થિથી ભારત-ચીનના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ભારત અને ચીને સરહદની તણાવને વાતચીતના સ્વરૂપમાં દૂર કરવા સહમતી બતાવી છે. તે સમયગાળા દરમિયાન હવે ભારત-ચીન સરહદે બન્ને દેશનું સૈન્ય પીછેહટ કરી શાંતિ જાળવશે તે બાબતે ભારત-ચીનના વિદેશ મંત્રાલયે સહમતી દર્શાવી છે.
લદ્દાખમાં એલએસી ખાતે સર્જાયેલા સરહદની વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કળીમાં ગુરૂવારે સાંજે રશિયાના મોસ્કો ખાતે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની સાથે સાથે ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ચાલેલી આશરે ૨ કલાક લાંબી મંત્રણામાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. એલએસી પર એકબીજાના પ્રદેશ પર ઘુસણખોરીના આરોપમાં તાજેતરમાં ઉગ્ર બનેલા સરહદી તણાવને ઘટાડવા પાંચ મુદ્દાને સમજૂતી કરાઈ હતી. મોસ્કોમાં વાંગ યી સાથેની મંત્રણામાં એસ.જયશંકરે એલએસી પર ચીન દ્વારા મોટી સંખ્યામાં ખડકાયેલી સેના અને મીલીટરી ઈક્યુપમન્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય પ્રતિનિધિ મંડળે ચીની નેતાને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સેના ખડકીને વર્ષ ૧૯૯૩ અને વર્ષ ૧૯૯૬માં બન્ને દેશ વચ્ચે થયેલા કરારોનું ઉલ્લંઘન કરી એલએસી પર અથડામણના સ્થળો ઉભા કર્યા છે. એલએસી પર ચીની સેનાનું આક્રમક વલણ દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું અપમાન કરી રહ્યું છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ મામલામાં જણાવ્યું હતું કે, બન્ને દેશ દ્વારા અપાયેલા વચનોનું ઉલ્લંઘન કરાતા ફાયરીંગ અને ભયજનક પગલા દ્વારા થતી ઉશ્કેરણી તાત્કાલીક અટકાવવી જોઈએ. સરહદ પર ઘુસણખોરી કરનારા તમામ સૈનિકો અને મીલીટરી ઈકવીપમેન્ટ ભારતે હટાવી લેવા જોઈએ અને બન્ને દેશની સેનાએ ઝડપથી પીછેહટ કરી સરહદે શાંતિનું વાતાવરણ બનાવવું જોઈએ. બન્ને પક્ષે સરહદ પર શાંતિ જાળવવા નવા આત્મવિશ્ર્વાસ-નિર્માણના પગલાઓ પર ઝડપી નિર્ણયો લેવા ચક્રોગતિમાન કર્યા છે. બન્ને પક્ષો દ્વારા કોઈપણ પ્રકારના ઉશ્કેરણીભર્યા પગલા નહીં લેવા ખાતરી આપતા ટૂંક સમયમાં ભારત-ચીન સરહદેથી બન્ને દેશનું સૈન્ય પીછેહટ કરી સરહદે સુલેહ-શાંતિ જાળવી પ્રવર્તમાન તમામ કરારોનું પાલન કરવા તૈયારી બતાવી છે.
બન્ને દેશોના કરાર બાદ ભારત-ચીનના પ્રધાનોએ નક્કી કર્યું છે કે, બન્ને દેશના સૈન્ય એલએસી ખાતેથી આશરે ૧૦૦ મીટર દૂર ખસેડી લેવામાં આવશે. તેમજ કોઈપણ જાતના ઉશ્કેરણીભર્યા પગલા લેવામાં આવશે નહીં. બન્ને દેશો તેમના સૈન્યને અનુશાસનમાં રાખશે જેથી સરહદે કોઈપણ પ્રકારનું તણાવભર્યું વાતાવરણ સર્જાય નહીં.
ઉલ્લેખનીય બાબત છે કે, ભારત ચીનના વિદેશ પ્રધાનોની બેઠકમાં લેવાયેલ નિર્ણય તેમજ પાંચ કરારો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યુરીટી એજન્સી સાથે દિલ્હી ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચીન-ભારત સરહદે શાંતિનો વાતાવરણ જળવાઈ રહે તેમજ સૈન્ય અનુશાસનમાં રહે તે મુદ્દે ચર્ચા કરી હતી. ઉપરાંત કોઈપણ પ્રકારે વાતાવરણ ડહોળાય નહીં તે દિશામાં એનએસએ સાથે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.
ગુમ થયેલા પાંચ યુવાનોને ભારત પરત મોકલશે ચીન
ગત તા.૧લી સપ્ટેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશથી ભારતના પાંચ યુવાનો ગુમ થયા હતા. જે બાદ સુત્રો દ્વારા મળેલી માહિતી દ્વારા સાબીત થયું હતું કે, પાંચેય યુવાનોને ચીની સેનાએ બંધક બનાવ્યા છે. પરંતુ ભારત-ચીનની શાંતિની સંધી સંધાતા ચીને શાંતિનું વાતાવરણ જાળવવા તેમજ સરહદી તણાવને દૂર કરવારૂપ પાંચેય યુવાનોને પરત મોકલવા તૈયારી બતાવી છે. આજના દિવસમાં ચીન તમામ પાંચેય યુવાનોને મોકલી દેશે તેવી ખાતરી ચીને આપી છે તેવું ભારતના સ્પોર્ટસ અને યુથ અફેરના રાજ્યકક્ષાના મંત્રી કિરણ રીજીજુએ એક ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે. સરહદે શાંતિ જાળવવા હેતુસર બનાવાયેલી ચાઈનીઝ પીએલએ ખાતરી આપતા કહ્યું કે, પાંચેય યુવાનોને ટૂંક સમયમાં ભારતીય આર્મીના હવાલે કરી દેવાશે.