લાઈન નાખવાના કામ ૧૦.૭૫% ઓનમાં હોવા છતાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનો માલ વાપરી મહાપાલિકાને ચૂનો લગાડ્યો : વિજીલન્સ તપાસ પહેલા મેઘરાજાએ પોલ ખોલી: કોંગ્રેસ
મહાપાલિકાના આજી રિવરફ્રન્ટ વિભાગ દ્વારા પ્રોવાઈડિંગ એન્ડ લેઈંગ ઇન્ટરસેક્ટર ડ્રેનેજ સીવરેજ લાઈન નું કામ નેશનલ હાઈવે ૮બ થી પોપટપરા સુધીનું છે તેમજ આ કામમાં ડ્રેનેજની લાઈન નાખવાની અને મેનહોલ બનાવવા અંગેનું કામ છે જેમાં ડ્રેનેજ લાઈન ૩૦૦ થી ૧૨૦૦ ડાયા મી.મી. ની આજીનદીમાં નાખવા અને સિમેન્ટના મજબુત મેઈન હોલ બનાવવા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ લગાવ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે આ કામે સ્ટેન્ડીંગ કમીટીએ ૧૦.૭૫% ઓનમાં એટલે મનપાના ટેન્ડરની રકમ રૂ.૮,૮૬ કરોડ ની રકમ સામે કુલ ત્રણ પાર્ટીઓએ સ્પર્ધાત્મક ભાવ આપેલ હતા ત્યારે મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ ૯.૮૧ કરોડમાં કામ મંજુર કર્યું એટલે કે એક કરોડ જેવી માતબર રકમ કોન્ટ્રકટરને ભાજપના શાસકો દ્વારા વધારે ચૂકવવા છતાં કામની ગુણવત્તા મુજબ કામ થયેલ નથી જેનો પુરાવો હાલ આજી નદીમાં આવેલ મેનહોલ કે જે અડધી નદીમાં પુર આવેલ તેમાં જો પડી જતા હોય તો આ નદીમાં વધારે પુર આવે તો પરિસ્થિતિ શું થાય ? કમિશ્નરે ભાજપના શાસકોએ વિચારવું જોઈએ જો આ લોકો વિચારી કામ વ્યવસ્થિત ન કરાવી શકતા હોય અને ભ્રષ્ટાચાર કરતા હોય તો રાજકોટની પ્રજાએ વિચારવું જોઈએ કે આ લોકોનું શું કરવું ?
આ એજન્સી દ્વારા નબળી અને હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરતા મનપાના ઈજનેરો દ્વારા અડધો ડઝન નોટીસો ફટકારવામાં આવેલ છે તેમજ મંજુર થયેલ કામ ૧૧ માસમાં પૂર્ણ કરવા ટેન્ડરમાં જણાવવામાં આવેલ છે.
આ કામમાં ટીપીઆઈ દ્વારા આપવામાં આવેલ પ્રોગ્રેસ રીપોર્ટ મુજબ આ કામ શરુ કરવા માટે વર્ક ઓર્ડર તા.૦૨/૦૩/૨૦૧૯ થી આપવામાં આવેલ છે ત્યારે એક વર્ષ થવા છતાં એક્ચ્યુઅલ પ્રોગ્રેસ માત્ર ૨૫% થયેલો છે અને આ વરસાદી માહોલમાં ડ્રેનેજ મેઈન હોલ જમીનદોસ્ત થઇ ગયેલા આજની તારીખે જોવા મળે છે ત્યારે મનપાનું ટેકનીકલ વિજીલન્સ શાખા ટેસ્ટીંગ કરવા પહોંચે તે પહેલા મેઘરાજાએ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે.