જુનાગઢ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતની ચુંટણીની મુદત પૂર્ણ થવાના થોડા દિવસો જ બાકી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ થઈ ગઈ છે.
ગત ૧૯-૧૨-૨૦૧૫ માં જુનાગઢ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતની ચુંટણી યોજાઈ હતી, જેની આગામી ડિસેમ્બર માસમાં મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, અને એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, ચુંટણી આયોગ એ તમામ બેઠકના પ્રકારની ફાળવણી કરી દીધી છે.
જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં અનું. જાતિમાં ૧, અનુ.આદિ જાતિમાં ૧ અને પછાત વર્ગમાં ૧ તથા ૧૨ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રખાઇ છે.
જ્યારે ૯ તાલુકા પંચાયત માટે ૧૫૮ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં મેંદરડા ની ૧૬ બેઠકો, વંથલી ની ૧૬, ભેસાણ ની ૧૬, માળિયા હાટીના ની ૨૦, વિસાવદર ની ૧૮, માંગરોળ ની ૨૦, જૂનાગઢની ૧૮, કેશોદ ની ૧૮ અને માણાવદર ની ૧૬ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં અનુ. જાતિની મહિલાઓ માટે ૯, અનુ. આદિ જાતિની મહિલાઓ માટે ૬, પછાત વર્ગની મહિલાઓ માટે ૯ બેઠકો અને સામાન્ય મહિલાઓ માટે ૫૫ બેઠકો અનામત રાખવામાં આવી છે.
ચુંટણી આયોગ એ જુનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની મુદત પૂર્ણ થતાં આદરેલી કવાયત શરૂ કરી દેતા, હવે ચુંટણી લડવા થનગનતા ઉમેદવારો તો અત્યારથી પટ્ટા ઝાટકી તૈયાર થઈ ગયા છે, જ્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પ્રતિષ્ઠા ભરી આ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરશે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે રાજ્યભરમાં ભાજપનો વાયરો વાયો હતો ત્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની ચુંટણી માં મતદારોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી, આવી જ પરિસ્થિતિ ૯ તાલુકા પંચાયત ની ચુંટણીમાં થઈ હતી અને કોંગ્રેસે તાલુકા પંચાયત માં વિજય વાવટા ફરકાવ્યા હતા.