પાલિકા પ્રમુખના દિયરે તબીબ અને તેની ટિમ ઉપર કોરોનાના ખોટા રિપોર્ટ આપતા હોવાના આક્ષેપ કરી કર્યો હતો હુમલો ; મેડિકલ એસો. આકરા પાણીએ
જેતપુરમાં નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયાના દિયર મિન્ટો ઉર્ફે મનીષ સખરેલીયાએ ડોકટર અને તેના સ્ટાફ ઉપર હુમલો કર્યો તે બનાવના ઘેરા પડઘા પડ્યા છે. આ હુમલાના વિરોધમાં આજથી ત્રણ દિવસ ખાનગી તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે. જેતપુર મેડિકલ એસો. દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી ન્યાયની માંગણી કરી છે.
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાના ભાઈ અને વર્તમાન પ્રમુખ મિન્ટો ઉર્ફે મનીષ સખરેલીયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા પોતે તેમજ તેમના પત્નીને ખોટી રીતે કોરોના રિપોર્ટ પોઝીટીવ આપ્યો છે.
તેમજ દવાઓ પણ ખોટી આપી હોવાનું જણાવી પોતે હોમ આઇસોલેશનમાં હોવા છતાં શ્રીમદ કોવિડ-૧૯ અને સંજીવની બન્ને હોસ્પિટલમાં જઈને ગાળાગાળી કરી ડોકટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો. વધુમાં મિન્ટો નામના આ શખ્સ દ્વારા ચાર માસ પૂર્વે પણ સંજીવની હોસ્પિટલમાં વોર્ડ બોય ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ સીઇટીપી પ્લાન્ટના સંચાલક ઉપર પણ હુમલો કર્યો હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
હાલ તો પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેને રાજકોટના કોવિડ સેન્ટરમાં સારવાર માટે મોકલેલ છે. વધુમાં આ બનાવમાં તબીબી આલમમાં ઘેરા પડઘા પડ્યા છે.
જેતપુરના મેડિકલ એસોસિએશને આ ઘટનાને શખત શબ્દોમાં વખોડી કાઢીને તેના વિરોધમાં ત્રણ દિવસ હોસ્પિટલો અને મેડીકલો બંધ પાડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારે જામજોધપુરમાં પણ તબીબોએ આ ઘટનાના વિરોધમાં બંધ પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.