કોરોના સંક્રમિત દર્દીઓની વિનામુલ્યે સારવાર માટે રાજકોટ જિલ્લા પ્રશાસનની નક્કર કામગીરી
કોરોના સંક્રમીત દર્દીઓનેે તમામ જરૂરી સઘન સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા નક્કર આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવી રહયું છે.
રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે કાર્યરત બનાવાયેલ કોવીડ-૧૯ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને વિશેષ દેખરેખ સાથેની સારવાર આપવામાં આવે છે. આ અંગે વધુમાં હેડ નર્સ કિશોરભાઇ જણાવે છે કે કોવીડ-૧૯ હોસ્પીટલમાં સામાન્ય દર્દીઓ કરતાં વધારે ગંભીર હોય તેવા એટલે કે જે દર્દીઓને ઓકસીજન, વેન્ટીલેટર અને વિશેષ દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ માટે ખાસ ક્રિટીકલ કેર વોર્ડ છે. અહીં તજજ્ઞ ડોકટરો સાથે મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ પુરતા પ્રમાણમાં છે. અમારી સમગ્ર ટીમ પ્રત્યેક દર્દીઓ પર આત્મીયતાપૂર્વક ધ્યાન આપે છે. સમયસર તપાસ સાથે તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડાયેટીશ્યન દ્વારા નિર્દેશિત કરેલ ભોજન પીરસવામાં આવે છે. અહીં પુરતા પ્રમાણમાં ઓકસીજન માટેની સુવિધા સાથે નોંધપાત્ર સંખ્યામાં વેન્ટીલેટરો પણ ઉપલબ્ધ છે. વધુમાં જણાવે છે કે અહીં આવતા કોરોના દર્દીઓથી સ્ટાફને સલામત રાખવા અને તેમને પણ કોઈ સંક્રમણ ન લાગે તેની તેકદારી માટે અમારી સમગ્ર ટીમ વિશેષ પી.પી.ઈ. કીટ સાથે સારવાર કરી રહી છે. રાજય સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલ તમામ સુવિધાઓ અને સાધનોની સાથે અમારી ટીમ કોરોના દર્દીઓને વહેલાસર રોગમૂકત કરી સાજા નરવા સ્વગૃહે પરત મોકલવાના એક માત્ર ધ્યેય સાથે કાર્ય કરી રહી છે. અમને સૌને દર્દીનારાયણની સેવા કરવાનો આ અવસર મળ્યો છે, એ બાબતને ઇશ્વરીય સંકેત ગણી અમે અમારા કાર્ય માટે ગૌરવ અનુભવીએ છીએ.