ઓ.પી.ડી.વિભાગની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ શહેરને કોરોના મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે, દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જ્યાંથી મહાનગરપાલિકાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, જેની આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, મેડીકલ કોલેજના ઓ.એસ.ડી., સિવિલ હોસ્પિટલના આસી. ડીન કમલ ગૌસ્વામી, મહાનગર પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ વિગેરે અધિકારીશ્રીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, જેમ કે સામાન્ય લક્ષણો જણાતા દર્દીએ સિવિલ હોસ્પિટલ સુધી આવવું ન હોય તો શહેરમાં મહાનગર પાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ શકે છે. જો કોરોના અંગેના કોઈપણ લક્ષણો જણાય તો પણ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે સંપૂર્ણ ફ્રી માં સારવાર લઇ શકે છે. જો જરૂરી જણાયે મહાનગરપાલિકાના દ્વારા ઘરે આવીને સારવાર કરવામાં આવે છે વિગેરે માહિતીથી લોકોને માહિતગાર કરવામાં આવે છે.