વોર્ડ નં.૫માં મેડિકલ સ્ટોરના સંચાલકોને સહયોગથી એસપીઓ ચેકીંગની સુવિદ્યા શરૂ કરાઇ
ગત માર્ચ-૨૦૨૦થી કોરોના સામે એકધારી લડત ચલાવી રહેલી રાજકોટ મહાનગરપાલિકા અત્યારે કોરોના વાયરસના સંક્રમણની કડી તોડવા સઘન પ્રયાસો કરી રહી છે અને આ પ્રયાસોમાં લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી બન્યો છે. શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરી શરદી, તાવ અને ઉધરસના દર્દીઓને શોધી કાઢવા કુલ ૧૨૦૦ જેટલી ટીમો ફિલ્ડ વર્ક કરી રહી છે જેથી તેઓને ત્વરિત સારવાર આપી શકાય. મહાનગરપાલિકાના વોર્ડ પ્રભારી તરીકે ફરજ નિભાવી રહેલા વરિષ્ઠ અધિકારીઓ અને તેઓના નેતૃત્વ હેઠળની ટીમો માનવીય અભિગમ સાથે કામગીરી કરે છે જેના પરિણામે જરૂરિયાતવાળા નાદુરસ્ત લોકોને ત્વરિત સારવાર ઉપલબ્ધ બની રહી છે. આ કામગીરીમાં લોકો પણ જાગૃતિ દાખવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કરી છે.
વોર્ડ નં.૫ માં માર્કેટિંગ યાર્ડ પાછળ શ્રીરામ સોસાયટીમાં વોર્ડ પ્રભારી સિટી એન્જિનિયર એચ.યુ.દોઢિયા અને તેમની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન એક ૩૭ વર્ષીય મહિલાના સ્વાસ્થ્યની ચકાસણી કરતા તેમનું ઓક્સિજન લેવલ (SPO2) ૯૧ જોવા મળ્યું હતું. જેના પગલે તાત્કાલિક મેડિકલ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. મેડિકલ ટીમે ફરી એ મહિલાના સ્વાસ્થ્યની ચકાસણી કરતા તેણીનું ઓક્સિજન લેવલ ૮૧ જોવા મળતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચાડવા જરૂરી હોવા અંગે પરિવારજનોને જણાવતા, શરૂઆતમાં તો પરિવારના સભ્યોએ એ મહિલા દર્દીની તબિયત સારી હોવાની દલીલ કરી સિવિલ હોસ્પિટલે જવાનો ઇન્કાર કાર્યો હતો. જોકે ત્યારબાદ વોર્ડ પ્રભારી દોઢિયા અને તેમની ટીમે માનવીય અભિગમ અપનાવી આખા પરિવારને સમગ્ર પરિસ્થિતિ સમજાવી હતી અને દર્દીને સિવિલ હોસ્પિટલે પહોંચાડવા સમજાવ્યા હતાં. ત્યારબાદ એ મહિલા દર્દીને સિવિલ હોસ્પિટલે લિ જવાયા હતાં અને તેમની સારવાર કરાવવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, દિવસ રાત જોયા વગર સતત ફિલ્ડ વર્ક કરી રહેલા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ આવા કિસ્સાઓમાં માનવીય અભિગમ સાથે પોતાની ફરજ બજાવી જ રહયા છે ત્યારે નાગરિકો પણ તંત્રની સલાહ અનુસાર સહયોગ આપી, સતર્કતા દાખવી કોરોના મહામારીને હરાવવામાં સાથ આપે તે તેમના પોતાના સ્વાસ્થ્ય માટે ત્યો જરૂરી જ છે સાથોસાથ શહેરના અન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ આવશ્યાક છે. લોકોનો સહયોગ પ્રાપ્ત થઇ જ રહયો છે અને તે પ્રસંશનીય પણ છે પરંતુ જે લોકો પોતાના મનમાં રહેલા ભયને કારણે તબીબી ચકાસણી અને સારવારથી દૂર ભાગે છે તેઓ ડર રાખ્યા વગર તંત્રને સહયોગ પ્રદાન કરે તેવી હાર્દિક અપીલ કરું છું.
વોર્ડ નં.૫ માં વોર્ડ પ્રભારી સિટી એન્જિનિયર એચ.યુ.દોઢિયા અને તેમની ટીમના પ્રયાસોના પરિણામે ચાર મેડિકલ સ્ટોર સંચાલકોએ આ સેવા આપવાનું શરૂ કરી દીધું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
જે ચાર મેડિકલ સ્ટોર ખાતે સંચાલકોએ ઓક્સીજન લેવલ (SPO2) વિનામૂલ્યે ચકાસવા ઓક્સીમીટરની તથા સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા કરી છે તેમાં પટેલ મેડિકલ સ્ટોર, પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોર, રાજગુરૂ મેડિકલ સ્ટોર અને રાજકોટ ફાર્મસીનો સમાવેશ થાય છે.