દિવાળીના તહેવાર પહેલા એક્શન પ્લાનના કામો શરૂ કરી દેવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને લેખિતમાં સુચના આપતા મેયર બિનાબેન આચાર્ય
ચોમાસાની સિઝનમાં પડેલા ૪૦ ઈંચથી વધુ વરસાદના કારણે શહેરમાં રાજમાર્ગોને અંદાજે ૨૦ કરોડથી પણ વધુ નુકશાની થવા પામી છે. હાલ મોટાભાગના તમામ રસ્તાઓની હાલત ખુબ જ બિસ્માર છે. આવામાં વરસાદે વિરામ લીધો હોય તાત્કાલીક અસરથી શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં પેચવર્કના કામો શરૂ કરવા તથા દિવાળીના તહેવાર પહેલા એકશન પ્લાનના કામો શરૂ કરી દેવા મેયર બિનાબેન આચાર્યએ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને લેખિતમાં આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી કોરોના સામે લડી રહેલા મેયર બિનાબેન આચાર્યએ બિમારી વચ્ચે પણ શહેરીજનોની સુવિધાની ખેવના કરી છે આજે મેયરે મ્યુનિસિપિલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ચોમાસાની સિઝન પુર્ણ થવાના આરે ચે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદથી ખાડા પડી ગયા છે જે રસ્તાઓની હાલત ખરાબ છે તેવા ત્રણેય ઝોનના તમામ રસ્તાઓ પર તાત્કાલીક અસરથી પેચવર્કની કામગીરી શરૂ કરવા તથા દિવાળીના તહેવાર પહેલા તમામ વોર્ડના એકશન પ્લાન તથા ટીપીના રસ્તાઓ પર ડામર રિકાર્પેટ અને નવા પેવરના કામો શરૂ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં શહેરમાં ૪૫ ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે જેના કારણે રસ્તાઓને ૨૦ કરોડથી પણ વધુ નુકશાની થયાનો પ્રાથમિક અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યો હતો છેલ્લા ૧૦ દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પેચવર્કના કામો શરૂ ન કરતા મેયરે લેખીતમાં સુચના આપવી પડી હોવાનું ચર્ચાય રહ્યું છે.