સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચરવા અવાર નવાર ફરજ પાડતા હીસ્ટ્રીસિટરથી કંટાળી હત્યા કર્યાની કબુલાત
નેપાલી શખ્સ અને કારખાનાના શ્રમજીવી સાથે માથાકુટ થતા બંનેની મદદથી પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
શહેરના નવરંગપરા વિસ્તારમાં કારનાખાની અગાશી પર નામચીન શખ્સની પથ્થરના ઘા ઝીંકી હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સફળતા મળી છે. સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યુ આચરવાની ફરજ પાડતા નામચીન શખ્સના ત્રાસથી કંટાળી નેપાળી સહિત બે શખ્સોની મદદથી હત્યા કર્યાની કબુલાત આપી છે. હત્યા કરી ફરાર થયેલા નેપાળી શખ્સને પણ યુપી પોલીસે ધરપકડ કરી લેતા તેને રાજકોટ લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવરંગપરામાં આવેલા ચામુંડા વુડ વર્કસ નામના કારખાનાની અગાશી પરથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસે મૃતક મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળીયો મગન સનુરા હોવાની ઓળખ મેળવ્યા બાદ તેની હત્યા કોને અને શા માટે કરી તે દિશામાં તપાસ હાથધરી હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી અને પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા સહિતના સ્ટાફે હત્યાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સ્ટાફને કામે લગાડયો હતો.
મહેશ ઉર્ફે હરેશ સનુરાની હત્યા અંગે બે દિવસ પહેલાં પોલીસ કંટ્રોલ રૂમમાં મોબાઇલમાંથી ફોન આવ્યો હતો તે દિશામાં છાનભીન કરતા મૃતક મહેશ ઉર્ફે હરેશના મોબાઇલમાંથી સીમ કાર્ડ કાઢી મણીનગર વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતા શ્રમજીવીના મોબાઇલમાં ચડાવી ફોન કર્યાનું બહાર આવતા હત્યામાં વિજય ઉર્ફે દુખે રમેશ ઢોલી, અજીત ઉર્ફે ગગન બાબ અને ફરમાન ઉર્ફે નેપાળીની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે વિજય ઉર્ફે દુખે અને અજીત બાબરની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ હત્યા કર્યાની કબુલાત આપી હતી.
મહેશ ઉર્ફે હરેશ સનુરા અને અજીત બાબરને પાંચક વર્ષ પહેલાં જેતપુર ખાતે મુલાકાત થઇ હતી. મહેશ ઉર્ફે હરેશે ત્યારે અજીત બાબર પર અવાર નવાર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યુ આચરતો હતો દરમિયાન અજીત બાબર દુબઇ કામ ધંધા માટે જતો રહ્યો હતો અને સાતેક માસ પહેલાં પરત ભારત આવ્યા બાદ ભાણવડ પાસે સાજડીયાળી રહેવા આવ્યાની મહેશ ઉર્ફે હરેશને જાણ થતા તેને રાજકોટ બોલાવી વાણંદની કેબીન કરાવી દીધી હતી અને ફરી તેના પર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યુ આચરવાનું શરૂ કરતા તે કંટાળીગયો હતો.
દરમિયાન મહેશ ઉર્ફે હરેશે રામ દર્શન ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે ઓટવર્ક નામના કારખાનામાં કામ કરતા વિજય ઉર્ફે દુખે રમેશ ઢોળી અને તેની સાથે કામ કરતા ફરમાન નેપાળી સાથે ઝઘડો થતા અજીત બાબરે વિજય ઉર્ફે દુખે અને ફરમાન નેપાળીની મદદ લઇ મહેશ ઉર્ફે હરેશની હત્યા કર્યાનું બહાર આવતા રાજકોટ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને કરેલી જાણના આધારે નેપાળ બોર્ડર પરથી ફરમાન નેપાળીને ઝડપી લેવામાં આવ્યો છે.મૃતક મહેશ ઉર્ફે હરેશ અગાઉ ભગવતીપરામાં રહેતો ત્યારે તેને હસીના નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ બંને વચ્ચે મન દુ:ખ થતા હસીના બાળકો સાથે જતી રહેતા મહેશ ઉર્ફે હરેશ એકલવાયુ જીવન જીવતો અને મજુરી કામ કરતો હતો તે દરમિયાન તેને સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં ગીલી ઉર્ફે સંજય કોળીની અને ત્રિકોણ બાગ નજીક ફાન્સીસ ઉર્ફે જેકીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયાનું તેમજ દારૂના ગુનામાં ઝડપાયાનું બહાર આવ્યું છે. હત્યાનો ભેદ ઉકેલવાની મહત્વની કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂા.૧૫ હજારનું ઇનામ આપી કામગીરીને બિરદાવી છે.