મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે ચાર શુશ્રૂષાલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે ચાર શુશ્રૂષાલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડીકલક્ષેત્રે નવા આવિષ્કારો અને સંશોધન થકી અદ્યતન સારવાર આપવાની હિમાયત કરી હતી. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતેથી રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પીટલ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ,રાજકોટ ખાતે ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કોવિડ ઓટોપ્સી સેન્ટર, રાજ્યની ફિઝીયોથેરાપી કોલેજોમાં પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબીલીટેશન તાલીમ કાર્યક્રમ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક લિનિયર એક્સીલિરેટર તથા સિટી સિમ્યૂલેટર મશીનોનુ ડીજીટલ લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યુ હતું કે, વૈશ્વિક મહામારીમાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત તબિબો અને લોકોના સહકારથી સંક્રમણને ખાળવામાં મહદઅંશે સફળ રહ્યુ છે. કોરોનાની અદ્યતન સારવાર અને નિદાનની વ્યાપક કામગીરીને લીધે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે રોલમોઙલ તરિકે પ્રસ્થાપિત થયું છે.
મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેવાયેલા પગલાની જાણકારી આપી જણાવ્યું હતું કે, ગુજરાતનો રિકવરી રેટ ૮૨ ટકા થયો છે. મૃત્યુ દર પહેલા ૭ ટકા હતો તે ધટીને ૨.૯ ટકા થયો છે જ્યારે પોઝિટીવીટી રેટ ૧૦ ટકામાંથી ધટીને ૩.૫ ટકા થયો છે.
મુખ્યમંત્રીએ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે એક જ અઠવાડીયામાં ઉભી કરાયેલી ૨૦૦ બેડની અદ્યતન હોસ્પિટલને લીધે હવે કોરોનાના એકપણ દર્દીને સારવારમાં મુશ્કેલી નહી પડે તેમ જણાવ્યું હતું. રાજકોટમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની પણ સગવડતા છે અને ૨૦૨૨ પહેલા એઈમ્સ હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના સંકલન હેઠળ અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદ્શન હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાત મેડીકલ ક્ષેત્રે સંશોધનમાં અગ્રેસર છે તેમ જણાવીને વધુમાં કહ્યુ કે, રાજકોટમાં શરૂ થયેલા ભારતના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટર થકી કોરોના સંક્રમિત મૃતદેહના અંગો પર થતી અસરને જાણવા તેના પ્રુથ્થકરણ અભ્યાસો થકી નવો માઈલસ્ટોન સાબિત થશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા માટે સતત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આધુનિક સુવિધાથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ઉત્તમ સારવાર મળી રહેશે, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર નિદાન માટે લોકોને અમદાવાદ ખાતે જવું પડતું હતું. હવે રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન ઉપલબ્ધ થતા આ આધુનિક મશીનનો લાભ આ પ્રદેશ સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઘરઆંગણે મળશે. કોવિડ ઓટોપ્સી તબીબી સંશોધન માટે ઘણી ઉપયોગી બનશે. આ સંશોધનના આધારે અન્યોને નવજીવન બક્ષવામાં મદદ મળશે.
આ ચાર પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની દિર્ધ દૃષ્ટિના કારણે કોરોનાના સામે બાથ ભીડવા ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલની સાથે કેન્સર જેવા ગંભીર રોગ ની સારવાર માટે જરૂરી આધુનિક લીનીયર એક્સીલેટર, બ્રેકીથેરાપી મશીન અને સિટી સિમ્યુલેટર જેવા મશીન ઘણાં ઉપયોગી થશે, ઉપરાંત રાજ્યની તમામ સરકારી ફિઝીયોથેરાપી કોલેજ માં વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપી – પોસ્ટ કોવિડ રિહેબીલીટેશન સેન્ટરની તાલીમ અપાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુ રેમ્યામોહને શાબ્દિક સ્વાગત અને મેડીકલ સુપ્રિટેન્ડન્ટ અંજના ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા,મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ઘનસુખભાઇ ભંડેરી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાશકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગળ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, આરોગ્ય નિયામક જે.ડી.દેસાઈ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેક્ટર શ્વેતા ટીઓટીઆ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસિયા, ડી.આર.ડી.ઓ.ના નિયામક જે.કે.પટેલ, મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધૃવ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,અને અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી તેમજ મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો, તબીબો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.