સામાજીક કાર્યકર હરિ હિરપરાની રજૂઆત રંગ લાવી
જસદણમાં અનલોકમાં કોરોનાએ કાતિલ પગપેસારો કરતા તંત્ર હાંફી જઈ જાત જાતના ભાત ભાતના નિર્ણયો લેવા મંડી પડી રહ્યું છે. લાખો રૂપિયાના ગફલા વચ્ચે કોરોના પોઝીટીવ દર્દીઓનો સતત વધારો અને મોતનું પણ તાંડવ ખેલાઈ રહ્યું છે. આવા માહોલ પહેલા સામાજીક કાર્યકર હરિ હિરપરાએ પખવાડિયા પૂર્વે રજુઆત કરી હતી કે શહેર અને તાલુકામાં વધતા જતા કોરોના પોઝીટીવ દર્દીઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવે છે તેને બદલે વેન્ટિલેટર, ડોકટર સહિતની સારવાર જસદણની સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ થાય જો ગોંડલ ધોરાજીને આ સુવિધા મળતી હોય તો જસદણને કેમ મળી ન શકે ? આવો લાખ મણનો સવાલ હરિ પટેલે ઉઠાવ્યો હતો. આ રજુઆતના પગલે હવે આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું હોવાનું જાણવા મળે છે. નજીકના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી અઠવાડિયામાં કોરોનાના પોઝીટીવ દર્દીઓને હવે જસદણની સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળશે. કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ખાસ ડોકટરો અને સ્ટાફ ફાળવવામાં આવશે આ સમાચાર વાયુવેગે ફેલાતા નાગરિકોમાં હાશકારાની લાગણી ઉદભવી છે.