માણાવદર તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેતા સાંસદ
માણાવદર તાલુકાના ઓઝત કાંઠો અને ભાદર કાંઠા વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતા થયેલી નુકસાની અંગે રૂબરૂ સમસ્યાઓ જાણવા પહોંચેલા પોરબંદર મત વિસ્તારના લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક એ આજ સવારથી માણાવદર તાલુકાના વાડાસડા, ચીખલોદ્વા, દેશીગા, મરમઠ, સરાડીયા, વેકરી, લીંબુડા, વડા, ઇન્દ્રા, ગણા, ભીંડોરા, પાદરડી, આંબલીયા, મટીયાણા, માંડોદરા, કોયલાણા, કોઠડી ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો, આગેવાનોના પ્રશ્ર્નો સાંભળ્યા હતા.
ઓઝત પંથક અને ભાદર કાંઠાના લોકોએ સાંસદ ને રજૂઆત કરી હતી કે ઓઝત નદી, ભાદર ડેમ, વેણુડેમ અને ધુંધવી નદીના પાણી પસાર થાય છે. ત્યારે ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદથી અને ડેમોના દરવાજા ખોલાવવામાં આવતા હોય જેથી આ વિસ્તારોમાં ધોડાપુર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાની થાય છે. આ વર્ષે દર વર્ષ કરતા ૧૬૦ ટકા વરસાદ પડવાની સાથે પાળાઓ તુટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તાલુકાના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ધુસી જતા ખેત પેદાશો અને માલઢોર ના ચારાને મોટા પાયે નુકસાની થયેલી છે.
માણાવદર તાલુકાના ઓઝત અને ભાદર પંથકના લોકો ના પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક એ જણાવ્યું છે કે આ બાબતે હું સરકારને રજૂઆત કરીશ અને ઝડપથી ખેડૂતોને સહાય મળે તેવા પ્રયત્નો કરીશ તેમ જણાવ્યું હતુ.જો કે, સાંસદના આ પ્રવાસમાં તમામ વિભાગોના અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટા ભાગના પ્રશ્ર્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતુ. આજના સાંસદના પ્રવાસ દરમિયાન તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મારૂ, વરંજાગભાઇ ઝાલા, જેઠાભાઈ પાનેરા, તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ગરાળા, મથુરભાઇ ત્રાંબડીયા, ગોંવિદભાઇ સવસાણી, જગદીશભાઇ ડાંગર, તા.પં.સભ્ય રામસીભાઇ ખોડભાયા, મિલનભાઇ ડવ સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા.