કોંગ્રેસના આગેવાનોએ ખાડા ટેકરામાં કર્યું વૃક્ષારોપણ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માત્ર એક જ વર્ષમાં ધોવાઈ ગયા છે અને હાલ તમામ માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આવી હાલત માટે ગુજરાતની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ-રીતિ જ કારણભુત હોવાનો ગંભીર આક્ષેપ જામનગર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા મહામંત્રી કે.પી. બથવારે એક નિવેદનમાં કર્યો છે. ભાજપ સરકાર તાયફાઓ કરવા અને મોટા મોટા બેનરો લગાવીને ફક્તને ફક્ત જાહેરાતો આપવામાં વ્યસ્ત છે. પ્રજાના કરોડો રૃપિયા વેડફી નાખે છે અને ગુજરાતની ભોળી પ્રજાને એક પછી એક મુદ્દાઓ લાવીને અગાઉના ભ્રષ્ટાચારો ભુલાવવાની કાર્યવાહી કરે છે.
જ્યારે કોઈ મુખ્યમંત્રી કે મંત્રીઓ આવતા હોય તો રાતોરાત રોડથી માંડી હેલીપેડ પણ બની જાય છે, પરંતુ આમ જનતા હેરાન-પરેશાન થાય છે તેમાં આ ભ્રષ્ટાચારી સરકારનું પેટનું પાણી પણ હલતું નથી.
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.પી. બથવાર, પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ માધાણી, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ તથા પ્રવિણસિંહ જાડેજા, દરેડ ગામના અગ્રણીઓ તેજાભાઈ ચોપડા, ભોલુભા જાડેજા તથા ગ્રામ્ય વિસ્તારોના હોદ્દેદારો અને કાર્યકરો અને આગેવાનો દ્વારા ખાડા-ટેકરા ઉપર ફૂલહાર કરી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જામનગર તાલુકાના રસ્તા-કોઝવે રીપેર કરો: રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે તબક્કાવાર અને નિયમિત રીતે રજૂઆતો કરી રહ્યાં છે. તેમણે જામનગર તાલુકાના રસ્તા અને કોઝવે રીપેર કરવા નાયબ મુખ્યમંત્રીને રૃબરૃ મળી રજૂઆત કરી છે. જામનગર તાલુકાના ખીમરાણા ગામે રાજકોટ હાઈવેથી ખીમરાણા ગામ સુધીનો રોડ તેમજ ભવનાથ મંદિર પાસેના વોકળા પર કોઝવે રીપેર કરવા, ખીજડીયા મેઈન રોડથી અભ્યારણ્ય સુધીનો ડામર રોડ, મોટી બાણુંગાર ગામથી સુર્યપરના રસ્તા પરનો કોઝવે રીપેર કરવા, નંદપુરથી જામવંથલી સુધીનો અને નંદપુરથી ભરતપુર સુધીનો રસ્તો, નવા વિરપરના રસ્તા પરનો કોઝવે રીપેર કરવા, સચાણાના પાટિયાથી ગામ સુધીનો રસ્તો, ધ્રાંગડાથી સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો, ખંભાલીડા મોટાવાસથી સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો, મોડાથી ગંગાજળાના નદી પરનો તૂટી ગયેલ હોય, રીપેર કરવા માંગ કરી છે. જીવારપરમાં હનુમાન મંદિરથી રાબડીયા વિસ્તારના રસ્તે કોઝવે રીપેર કરવા, નાની બાણુંગારથી ખિલોસનો રસ્તો, લાખાબાવળના પાટિયાથી રેલવે ફાટક સુધીનો પેવર રોડ રીપેર કરવા, નાની માટલી ગામે રૃપારેલ નદી પરનો કોઝવે રીપેર કરવા, નાઘેડીથી આશીર્વાદ રીસોર્ટથી બાયપાસને જોડતો રસ્તો, સ્ટેટ હાઈવેથી નાઘેડીથી સુધીનો રસ્તો, સ્ટેટ હાઈવેથી શાપરનો રસ્તો, ખારાબેરાજાથી ઢીંચડા સુધીનો રસ્તો, લોઠીયાથી ખોજાબેરાજા વચ્ચેનું પુલીયું અને શંકર મંદિરની જગ્યા પાસેનો કોઝવે રીપેર કરવા, લોઠીયા ગામની બાજુમાં આવેલ કોઝવે રીપેર કરવા તેમણે માંગણી કરી છે.