માર્ગ, જળ અને હવાઈ પરિવહનને વિકસાવવાના હેતુથી સરકારના વિવિધ પાસાઓ પૈકી રેલવે કોરીડોરની મહત્વાકાંક્ષી યોજના સાકાર થવા તરફ
દેશનો વિકાસ ઈન્ફાસ્ટ્રકચર ઉપર આધારિત છે. ચીને દશકાઓ પહેલા ઈન્ફાસ્ટ્રકચર વિકસાવીને ઉત્પાદનમાં હરણફાળ ભરી છે. આવું જ મોદી સરકાર કરવા માંગે છે. સોશિયો ઈકો પોલીટીકસમાં ઈન્ફાસ્ટ્રકચરનો ફાળો મહત્વનો રહ્યો છે. ગોલ્ડન કોરીડોર, ગ્રીન કોરીડોર કે સાગર માલા યોજના તમામ પ્રોજેકટમાં ધીમીગતિએ સરકાર આગળ વધી રહી છે. આ તમામ યોજનાઓને સંકલીત કરી કોઈ એક સ્થળે મેન્યુફેકચરીંગ હબ બને તો તુરંત નિકાસ કરી શકાય તેવો પ્લાન સરકારનો છે. જે માટે ધોલેરા ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં પોર્ટ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સહિતની સુવિધા તો વિકસી રહી છે ત્યારે ભરૂચમાં ત્રણ અને સુરતમાં ૭ ઓવરબ્રીજથી ધોલેરાને ઉત્પાદનનું હબ બનાવવાનો તખતો તૈયાર થયો છે.
ગુજરાત, ઝારખંડ, ઉતરપ્રદેશ, બિહાર અને પંજાબે દેશ માટે મહત્વકાંક્ષી એવા રેલવે પરિવહન કોરીડોરની જમીન સંપાદનની પ્રક્રિયા રેલવે મંત્રી પિયુષ ગોયલે નવ રાજયોના મુખ્યમંત્રીઓને જમીન ફાળવણી અંગેના અવરોધો દુર કરવાના વિનંતી સાથે પત્રો લખ્યાના બીજા દિવસે જ પાંચેય રાજયોએ રેલવે પરિવહન કોરીડોર પરિયોજના માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. રેલવે કોરીડોર પરિયોજના માટે જમીન સંપાદન અંગેની વિનંતી કરતા પત્રમાં મંત્રી પિયુષ ગોયલે મુખ્યમંત્રીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮૧ હજાર કરોડ રૂપિયાની આ પરિયોજના પર વ્યકિતગત દેખરેખ રાખી રહ્યા છે. એક બેઠકમાં વડાપ્રધાનના કાર્યાલયે આ પરિયોજનાના વિલંબની સ્થિતિના કારણો પુછયા હતા અને ડિસેમ્બર ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીની સમયઅવધિ અને મુદત સુધીમાં આ પરિયોજનાના કાર્યમાં પરિણામ મેળવવા જણાવ્યું હતું.
છેલ્લા ૭ દિવસો દરમિયાન રેલવેએ ૫ રાજયોમાં જમીન સંપાદનના મુદાઓ અલગ તારવ્યા હતા. પંજાબમાં રેલવેએ આ પરીયોજના માટે ડીએફસીસીઆઈએલ પાસેથી આર્થિક સહાયની દરખાસ્ત મંજુર કરી રોડ અને અંડરબ્રીજના નિર્માણ માટે સહમતી આપી હતી. જયારે બિહાર, ઉતર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વહિવટી તંત્રને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના મુદાઓને લઈને પોલીસ રક્ષણ આપવાની માંગણી ઉઠી છે. પંજાબમાં લાંબા સમયથી પડતર રહેલા રસ્તા, અંડરબ્રીજ અને ઓવરબ્રીજ માટેની કામગીરી માટે જમીન સંપાદનના મુદાઓ ત્રણ સ્થળ માટે ઉકેલવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પણ ત્રણ રોડ ઓવરબ્રિજ ભરૂચમાં અને સાત સુરતમાં ફાળવવામાં આવ્યા છે. રેલવે પરિવહન પરિયોજનાના આ મહત્વકાંક્ષી પ્રોજેકટના હુકમને લઈને ગોયલે સતત બેઠકોનો તમામ પક્ષકારો સાથે દોર ચલાવી અધિકારીઓને આ પરિયોજનાને આગળ વધારી તમામ વાંધાજનક અને સંવેદનશીલ મુદાઓ ડીએફસીને લઈને ૧૦ જ દિવસમાં ઉકેલવા તાકિદ કરી છે.