પૂર્વીય લદ્દાખમાં ફાયરીંગની ઘટનાથી ભારત અને ચીન વચ્ચેનો મામલો પેચીદો બન્યો: મડાગાંઠના ઉકેલ માટે બેઠકોનો દૌર
લદ્દાખમાં ભારત અને ચીન સરહદે તણાવ વધી રહ્યો છે. રાત્રે પેંગોગ ત્સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ફાયરીંગની ઘટના બનતા ભારત અને ચીન વચ્ચેના સંબંધો પેચીદા બની ગયા છે. બન્ને દેશો એકબીજાના સૈનિકો પર ફાયરીંગ કર્યાના આક્ષેપો કરી રહ્યાં છે. ૧૯૭૫ બાદ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પ્રથમ વખત ફાયરીંગ થયું હોવાથી મામલો સંગીન છે. જો કે, વિદેશ પ્રધાન એસ.જયશંકરની ચીનના મંત્રી સાથેની બેઠકથી આ મામલો ઠંડો પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં બન્ને દેશોના સૈન્યના વડાઓ, સંરક્ષણ મંત્રી સહિતનાઓની બેઠક થઈ હતી અને એલએસી પર મામલો કેવી રીતે થાળે પાડવો તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બન્ને દેશોના સૈનિકો એકબીજાથી માત્ર અમુક અંતર જ દૂર ઉભા છે. આ ઉપરાંત મામલો અત્યારે ગંભીર બન્યો છે. ત્યારે નાની એવી હરકત પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી વકીના કારણે બન્ને દેશોના વડાઓ સમાધાન માટેની તૈયારીઓ કરે છે. જો કે ભારત એક ઈંચ પણ જમીન જતી કરવા તૈયાર ન હોવાનું મક્કમ સ્વરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં જણાવાયું હતું.
રાત્રે લદ્દાખમાં કરવામાં આવેલું ફાયરીંગ વોર્નિંગ શોટ હોવાનું પણ માનવામાં આવે છે. ચીનની નજર ભારતના બ્લેક ટોક અને હેલ્મેટ ટોક વિસ્તાર પર છે. સરહદ પર તૈનાત જવાનોને અત્યારે હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ૪૫ વર્ષ બાદ આ પ્રકારનું પ્રથમ વખત ફાયરીંગ થયું હોવાથી મામલે બગડે નહીં તે સુનિશ્ર્ચિત કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન અને શ્રીલંકા સહિતના દેશોના બંદરો પર કબજો કરી યેનકેન પ્રકારે ત્યાં સૈન્ય ગતિવિધિઓ કરવાનો પેંતરો પણ ચીન અજમાવી ચૂકયું છે. શ્રીલંકા તો આ બાબતે તાજેતરમાં જ કબુલી ચૂકયું હતું કે, ચીનને હંબનટોટા બંદર આપવું ખુબ મોટી ભુલ હતી. આવી રીતે હવે ચીને અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કર્યો છે. તાજેતરમાં ૫ નાગરિકોનો ચીનની સેના ઉપાડી ગઈ હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ ચીને વળતા જવાબમાં કહ્યું હતું કે, તે પ્રદેશ તો અમારો જ છે. અમે કેવી રીતે અમારા નાગરિકોનું અપહરણ કરી શકીએ!
ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વાંગ યી વચ્ચે વિદેશ નીતિને લઈ બેઠક થશે. જયશંકર એસસીઓ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા નીકળી ચૂકયા છે. તે પહેલા તેઓ તહેરાન ખાતે તેઓ સ્ટોપ કરશે. આવા સમયે વિદેશ મંત્રી એસ. જયશંકર અફઘાનિસ્તાની સરકાર તેમજ તાલીબાન વચ્ચેના સંબંધો વિશે પણ ચર્ચા કરશે. જો કે આ બેઠક મુળભૂત રીતે અત્યારે સળગેલા લદ્દાખના પ્રશ્ર્ન ઉપર પણ કેન્દ્રીત રહેશે.
વિસ્તારવાદની ચીનની મેલી મુરાદ ફરી એકવાર સામે આવી!
ચીનની વિસ્તારવાદની ભુખ અનેક દેશોને સતાવી રહી છે. દક્ષિણ ચીન મહાસાગર હોય કે ભારત સરહદ બધે જ ચીનની અવળચંડાઈ સમયાંતરે ચાલુ જ રહે છે. તાજેતરમાં જ જાપાન, મલેશિયા, ઈન્ડોનેશીયા, ફિલીપાઈન્સ સહિતના દેશોના ટાપુઓ ઉપર ચીને દાવો કર્યા બાદ લદ્દાખમાં પણ એલએસીને માનવા ચીન તૈયાર ન હોય તેવો ઘાટ રચાયો હતો. હવે ફરીથી ડ્રેગને અરૂણાચલ પ્રદેશનો રાગ આલાપતા આખા વિશ્ર્વ સમક્ષ તેની વિસ્તારવાદની મેલી મુરાદ સામે આવી ચૂકી છે. ચીન દાયકાઓથી વિસ્તારવાદ તરફ વરેલુ છે. અન્ય દેશોની સીમાઓમાં ઘુસણખોરી કરવી અને જમીન પચાવવી તે ચીનની નિયતમાં છે.
વિદેશ મંત્રી જયશંકરની વાંગ યી સાથે બેઠક
ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વાંગ યી વચ્ચે વિદેશ નીતિને લઈ બેઠક થશે. જયશંકર એસસીઓ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા નીકળી ચૂકયા છે. તે પહેલા તેઓ તહેરાન ખાતે તેઓ સ્ટોપ કરશે. આવા સમયે વિદેશ મંત્રી એસ.જયશંકર અફઘાનિસ્તાની સરકાર તેમજ તાલીબાન વચ્ચેના સંબંધો વિશે પણ ચર્ચા કરશે. જો કે આ બેઠક મુળભૂત રીતે અત્યારે સળગેલા લદ્દાખના પ્રશ્ર્ન ઉપર પણ કેન્દ્રીત રહેશે. ચીન સામે અન્ય દેશોને તૈયાર કરી તેના પર દબાણ લાવવાની રણનીતિ પણ ઘડવામાં આવશે. વિદેશના સંબંધો બાબતે આ બેઠકમાં ભારતની પરીક્ષા થશે. ભારત અત્યારે એક સાથે અનેક મોરચે લડી રહ્યું છે. ત્યારે જયશંકરની આ બેઠક મહત્વની બની જશે.
લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલે ભારતીય સૈન્યનો હાથ ઉપર
લદ્દાખના બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપમાં ભારતીય સેનાની પોઝિશન મજબૂત છે. ચીનની પોસ્ટ ભારતીય સેનાની ફાયરીંગ રેન્જમાં છે. ભારતીય સૈનિકો ઉંચાઈ પર હોવાથી ચીનની પોસ્ટ નીચે છે. ચાઈનીઝ સૈનિકોની પોઝિશન જોઈ શકાતી હોવાથી ચીન મુંઝાયું છે. આ બન્ને સ્થળે ભારતીય સૈનિકોની પકડ મજબૂત હોવાથી ભારતના કેટલાક વિસ્તારોમાં ચીન માટે એન્ટ્રી પોઈન્ટ બંધ થઈ ચૂકયા છે. જે સ્થળને અગાઉ ચીન એલએસી ગણાવી પેટ્રોલીંગ કરતું હતું તે સ્થળે અત્યારે ભારતીય સૈનિકોનો દબદબો છે. જેના પરિણામે ચાઈનીઝ સૈન્ય ગીનાયુ છે. એકંદરે અત્યારે લદ્દાખમાં ભારતીય સૈન્યનો હાથ ઉપર હોવાનું ફલીત થાય છે.