મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શેરડી ભરનાર ૨૯૦૮ ખેડૂતો, શ્રમિકો અને પરિવહન કરનારાના બાકી નિકળતા રૂ.૨૫ કરોડનો ઓનલાઇન વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્ય-મંત્ર સાથે કામ કરતી ગુજરાત સરકારે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” મુખ્યમંત્રી કિસાન સહાય જેવી અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યના ખેડૂતોને જરૂરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આજે ગંધારા સુગરના ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શ્રમિકોના હિતમાં રૂ. ૨૫ કરોડ બાકી રકમના નાણા વિતરણ કરવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ૩૧ કેન્દ્ર ઉપર ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારાના શેરડી ભરનારા કુલ ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શેરડી કાપનાર મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી નીકળતા રૂ. ૨૫ કરોડનાં નાણા વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે ઉપસ્થિત શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂત સભાસદો ભાઈ-બહેનોને પ્રતિક રૂપે તેમના બાકી નીકળતા નાણાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહજી જાડેજા અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા જિલ્લાના કરજણ, સિનોર અને ડભોઇ તાલુકાના ૩૧ સ્થળોએ ઉપસ્થિત મંત્રીઓ, સાંસદઓ અને ધારાસભ્યઓ, સહકારી આગેવાનો અને લાભાર્થીઓને સંબોધન કરતા કહ્યું હતું કે, વડોદરા સુગરકેન યુનિયનના ખેડૂત સભાસદોના હિતમાં તેમની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકારે એક જ સપ્તાહમાં નિર્ણય કરીને રૂ. ૨૫ કરોડના બાકી નાણા ચૂકવવાનું નક્કી કર્યું હતું. જે આજે આ ઓનલાઈન કાર્યક્રમના માધ્યમથી શક્ય બન્યું છે.
તેમણે કહ્યું હતું કે ખેડૂતોના મહેનતના રૂપિયા તેમના હકના નાણાં આપવા રાજ્ય સરકાર હંમેશા તૈયાર છે. બીજાના દુ:ખે-દુ:ખી અને બીજાના સુખે-સુખીના ધ્યેય સાથે અમારી સરકાર લોકોની સેવા કરી રહી છે. આ સરકાર ખેડૂતોની, પીડિતોની, મજૂરોની અને ગરીબોની સરકાર છે. અમારી સરકાર માંગ્યા પહેલા આપતી સરકાર છે. જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે.