ભારત જૈન મહામંડળના ઉપલક્ષમાં વિશ્ર્વ મૈત્રી દિવસ અંતર્ગત ક્ષમાપના સમારોહ સંપન્ન
ભારત જૈન મહામંડળના ઉપલક્ષે જૈન સમાજના ચારે સંપ્રદાયના ગુરુ ભગવંતોના પાવન સાંનિધ્યે વિશ્વ મૈત્રી દિવસ- ક્ષમાપના સમારોહનું લાઈવ પ્રસારણના માધ્યમે આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વને મૈત્રી અને ક્ષમાધર્મનો પાવન સંદેશ આપતાં આ સમારોહમાં આચાર્ય પૂજ્ય જિનમણિપ્રભસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પૂજ્ય મહાશ્રમણજી, આચાર્ય પૂજ્ય પુલકસાગરજી મ.સા., રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના પાવન સાંનિધ્ય સાથે પરાગભાઈ જૈન (IAS, Secretary Textile), ડી.સી.જૈન (IPS, Joint Director CBI), મોતીલાલજી ઓસવાલ (MD Motilal Oswal Financial Services Ltd.), શૈલેષજી લોઢા (Actor and Poet) આદિ અતિથિગણ વિશેષ ભાવ સાથે જોડાયાં હતાં. રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશભાઈ મહેતા, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મદનલાલજી મુઠલિયા, રાષ્ટ્રીય મહાસચિવ રાજેશજી વર્ધન, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ ગણપતજી કોઠારી આદિ ભારત જૈન મહામંડળના સભ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે, એક જ મંચ પર એક સાથે ચારે ફિરકાઓના સંતોને જોડવાના ભારત જૈન મહામંડળના પુરુષાર્થની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, આપણાં દરેક સંપ્રદાય તે પરમાત્માનો જ એક પરિવાર છે અને આ પરિવારની એકતાનો અહેસાસ કરવા જ આપણે વારંવાર મળી રહ્યાં છીએ. આ સમયમાં કોરોના જેવી ક્રાઈસીસ આવી પરંતુ સંત એકતાનું ક્રિએશન કરી ગઈ. એટલે જીવનમાં જ્યારે પણ કોઈ ક્રાઈસેસ આવે ત્યારે આપણે અપસેટ ન થતાં, અપગ્રેડ થજો. પ્રભુ મહાવીરનો ધર્મ આપણને હંમેશા પ્રોબ્લેમમાં પણ પ્રોગ્રેસ કરવાની પ્રેરણા આપી રહ્યો છે.
કોઈકની ભૂલ દર્શાવવાના કારણે જ આજ સુધી સંપ્રદાયોનું સર્જન થતું આવ્યું છે. વાસ્તવિકતામાં કોઈની ભૂલ બતાવી તે જ આપણી સૌથી મોટી ભૂલ હોય છે. આપણે આપણાં સંપ્રદાયોને આર્ગ્યુમેન્ટ કરતાં કોર્ટરૂમ જેવા નહીં પરંતુ પરસ્પર પ્રેમ અને એકતા સ્વરૂપ હાર્ટરૂમ જેવા બનાવવા છે. આપણાં સહુનો મંત્ર એક છે, મંચ પણ એક જ છે અને આપણું મન પણ એક બની જાય એવી પ્રેરણા આપેલ.
આચાર્ય પૂજ્ય પુલકસાગરજી મહારાજ સાહેબે આ અવસરે સમાજ એકતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે, દુનિયામાં જો કોઈ તીર્થ જીવિત છે તો ચૈતન્ય તીર્થરૂપી સંતો જ તેનું કારણ છે. બારૂદના ઢગલા પર બેઠેલી દુનિયાએ સમજવું પડશે કે હથિયારોથી કદી શાંતિનું સર્જન નથી થવાનું પરંતુ પ્રભુના જીવો અને જીવવા દ્યો ના સંદેશથી શાંતિનું સર્જન થઈ શકશે.
આચાર્ય પૂજ્ય મહાશ્રમણજી મહારાજ સાહેબે આ અવસરે દેશ-વિદેશમાં રહેતાં જૈન ભાવિકોને માંસ-મદિરા આદિ વ્યસનોથી મુક્ત રહેવાનો પાવનકારી સંદેશ આપ્યો હતો.
આચાર્ય પૂજ્ય જિનમણિપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબે એકતાનો સંદેશ આપીને શ્રાવકોને સંગઠનની જેમ આચાર્યોના સંગઠનની સ્થાપનાનો અનુરોધ કરીને વિવાદિત વિષયોને સુલઝાવવાનો સંદેશ આપ્યો હતો.
આ અવસરે, રાકેશજી મહેતા, મદનજી મુઠલિયા, સંજયજી લોઢા, રાજ્યપુરોહિતજી, ડી.સી.જૈન, શૈલેષજી લોઢા તેમજ મોતીલાલજી ઓસવાલે પ્રાસંગિક વ્યક્તવ્ય આપીને જૈન એકતાની હિમાયત કરી હતી. અંતે ગણપતજી કોઠારીએ સહુની આભાર અભિવ્યક્તિ કરી હતી.