તમામ ગાર્ડનમાં સેનિટાઈઝર અને હાથ ધોવાની વ્યવસ્થા ઉભી કરાયા બાદ એક સપ્તાહમાં બગીચા ખોલવા અંગે નિર્ણય લેવાશે:મ્યુનિ. કમિશનર
અનલોક-૪માં કેન્દ્ર સરકાર દ્રારા આજથી બગીચા ખોલવાની મંજુરી આપવામાં આવી છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે શહેરમાં હાલ બગીચાઓ નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ,રાજકોટમાં કોરોનાને નાથવા માટે કોર્પોરેશન દ્રારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.અનલોક-૪માં સરકાર દ્રારા બગીચાઓ ખોલવાની આજ થી મંજૂરી આપવામાં આવી છે પરંતુ સલામતીના ભાગરૂપે હાલ શહેરમાં ૧૪૫ બાલ ક્રિડાગણ અને બગીચાઓ નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ બગીચાઓમાં પૂરતી સેનિટાઇઝર તથા હાથ ધોવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.જે ગોઠવાયા બાદ એકાદ સપ્તાહમાં બગીચાઓ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.સુરત,અમદાવાદ અને વડોદરા સહિતના રાજ્યના મોટા શહેરોમાં બગીચાઓ નહિ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટમાં કોરોના સંક્રમણની સ્થીતી જોયા બાદ આગામી દિવસોમાં બગીચા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.ત્યાં સુધી હજી ૧૪૫ બગીચા બંધ જ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગત ૧૮મી માર્ચે રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયા બાદ બગીચાઓ બંધ જ છે.દેશમાં ૨૫મી માર્ચથી જયારે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી બગીચાઓ બંધ છે.જિલ્લામાં બાગ બગીચાઓ ખોલવા માટે કલેકટર દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.દરમિયાન શહેરમાં બગીચાઓ હાલ નહીં ખોલવાનો નિર્ણય કોર્પોરેશન દ્રારા લેવામાં આવ્યો છે.છેલ્લા છ માસથી બંધ બગીચાઓ ખોલવા માટે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે ત્યારે બગીચાઓમાં હાલ સફાઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
સામાન્ય રીતે બગીચાઓમાં બાળકો અને સીનીયર સિટીઝન વધારે પ્રમાણમાં જતા હોય છે.તેઓ પર કોરોના સંક્રમણનું વધુ જોખમ રહેલું છે.આવામાં બગીચાઓ હાલ નહિ ખોલવાનું જ લોકોના હિતમાં છે.બગીચાઓ એકાદ સપ્તાહમાં ખુલ્લી જાય તો પણ લોકો બગીચામાં ન જાય તે હિતાવહ રહેશે. રાજકોટમાં કોરોનાનો અજગરી ભરડો સતત ભીંસાય રહ્યો છે. આવામાં બગીચાઓ ખોલવા અંગે ઉતાવળિયો નિર્ણય શહેરીજનો માટે ઘાતક પણ નીવડી શકે છે.