દુશ્મન દેશો સામે ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’
અવાજથી છ ગણી ઝડપે દુશ્મન દેશ ઉપર ત્રાટકવા સક્ષમ: બાલાસોરમાં થયેલા પરીક્ષણ બાદ બ્રહ્મોસ-૨ તૈયાર કરવા મદદ મળશે
ભારતે હાઈપરસોનિક મિસાઈલ ટેકનીક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. અમેરિકા-રુસ અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ બન્યો છે જેણે પોતાની હાઈપરસોનિક ટેકનોલોજી વિકસીત કરી હોય. આજે આ ટેકનોલોજીનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા ઓડીસ્સાના બાલાસોર ખાતે હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોસ્ટ્રેટર વ્હીકલનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજીથી હવા કરતા છ ગણી ઝડપે દુશ્મન ઉપર હુમલો થઈ શકે છે. જેના પરિણામે દુશ્મન દેશની એર ડિફેન્સ સીસ્ટમને હુમલાની ભનક પણ પડતી નથી.
હવે ભારત પાસે વિદેશી સહાય વગર જ હાઈપરસોનિક મિસાઈલ ડેવલોપ કરવાની ક્ષમતા છે. ડીઆરડીઓ આગામી પાંચ વર્ષમાં સ્ક્રેમ જેટ એન્જીન સાથે હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી શકે છે. જેની રફતાર ૨ કિ.મી. પ્રતિ સેક્ધડથી વધુ હશે. સૌથી મોટી વાત એ છે કે, આ ટેકનોલોજીને અંતરીક્ષના સેટેલાઈટ કરતા પણ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે.
આ પરિક્ષણ બાદ હવે ભારતને આગામી જનરેશનના હાઈપરસોનિક મિસાઈલ બ્રહ્મોશ-૨ તૈયાર કરવામાં સરળતા રહેશે. આજે તૈયાર કરાયેલો સ્ક્રેમજેટ એરક્રાફટ પોતાની સાથે લાંબા રેન્જની હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ પણ લઈ જઈ શકે છે. અવાજથી છ ગણી વધુ ઝડપે એટલે કે, દુનિયાના કોઈપણ ખુણે દુશ્મનના ઠેકાણા ઉપર એક કલાકથી પણ ઓછા સમયમાં ત્રાટકી શકે છે. સામાન્ય બેલેસ્ટીક મિસાઈલ ટ્રેજેકટરી સીસ્ટમને અનુસરે છે. આવી મિસાઈલને સરળતાથી કાઉન્ટર કરી શકાય છે. જો કે, હાઈપરસોનિક વેપન સીસ્ટમનો કોઈ નિશ્ર્ચિત રસ્તો હોતો નથી. જેથી દુશ્મનને અંદાજ નથી આવતો કે મિસાઈલ ક્યાં રસ્તે ત્રાટકશે. ઉપરાંત ઝડપ પણ એટલી વધુ હોય છે કે ટાર્ગેટને ખ્યાલ આવતો નથી. જેથી દરેક ડિફેન્સ સીસ્ટમ આ મિસાઈલ સામે પાણી ભરશે તેવું માની શકાય.
હાઈપરસોનિક મિસાઈલ એટલે શું ?
હાઈપરસોનિક મિસાઈલ એ એવી મિસાઈલ હોય છે કે જે અવાજ કરતા પાંચ ગણી ઝડપથી પ્રહાર કરે છે. આવી મિસાઈલના બે પ્રકાર હોય છે. પ્રથમ પ્રકારમાં હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલનો સમાવેશ થાય છે જ્યારે બીજા પ્રકારમાં હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલનો સમાવેશ થાય છે. આ મિસાઈલો ગણતરીની મિનિટમાં જ દુનિયાના કોઈપણ ખુણે ટાર્ગેટને ધ્વસ્ત કરી શકવા સક્ષમ હોય છે.
ક્યાં ક્યાં દેશ પાસે છે આવી આધુનિક મિસાઈલો ?
વર્તમાન સમયે અમેરિકા, ચીન અને રશિયા પાસે આવી હાઈપરસોનિક મિસાઈલ છે. અત્યારે અમેરિકા પરંપરાગત પેલોડસ ઉપર ફોકસ કરી રહ્યું છે. બીજી તરફ ચીન અને રશિયા અત્યાધુનિક ન્યુક્લીયર ડીલીવરી ઉપર કામ કરે છે. હાલ દુનિયાના કોઈપણ દેશ પાસે આ મિસાઈલને રોકવાની ડિફેન્સ સીસ્ટમ નથી. અમેરિકાનો રક્ષા વિભાગ આવી ડિફેન્સ સીસ્ટમ વિકસાવવા પ્રયોગો કરી રહ્યું છે.