પોઝિટિવ દર્દીની મુલાકાત લઇ ખબર અંતર પુછતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા
રાજકોટ ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં આ ઝુંબેશના આયોજન અને અમલીકરણ માટે સંબંધિત તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને ખાસ કામગીરી માટે રાણાવસિયા દ્વારા સૂચના આપવામાં આવી છે.
જે અન્વયે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૧ લાખ ૫૫ હજારથી વધુ લોકોનાં સર્વે માટે ૩,૫૭૬ કર્મચારીઓ કાર્યરત છે. દરરોજ આશરે ૫૦-૬૦ ઘરના સર્વે કરવાની આ કામગીરી પૈકી તા. ૪ સપ્ટેમ્બર સુધીમાં અંદાજે ૧,૦૭,૭૫૧ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી ચૂકી છે.
ઉપરાંત જિલ્લાના નગરપાલિકા વિસ્તારની કુલ ૪ લાખ ૬૧ હજારથી વધુ લોકોનાં આરોગ્યની તપાસ માટે ૯૩૬ લોકો કાર્યરત છે. આ ટીમ દ્વારા તા. ૪ સપ્ટેમ્બર સુધીમાં ૧,૨૩,૩૫૬ લોકોની તપાસ થઈ ગઈ છે. જે પૈકી સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ ટીમ દ્વારા પલ્સ, ઓક્સિજન લેવલની ચકાસણી ઉપરાંત જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક સર્વે ટીમમાં આશા બહેન, આંગણવાડી વર્કર, આરોગ્યકર્મી, શિક્ષણ, પંચાયત, ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ કામગીરી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ પણ પોઝિટિવ દર્દીની મુલાકાત લઈ તેનાં ખબર અંતર પૂછ્યા હતા. આ તકે જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ જેવાં કોઈપણ લક્ષણો જણાય તો તરત જ આરોગ્યકર્મીનો સંપર્ક કરવા અથવા કોરોના હેલ્પલાઇન નંબર ૧૦૪ પર ફોન કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.