લોકલ ફાર્મસીના સંચાલકોએ તાવ, શરદી, ઉધરસની દવા આપતા પહેલા દર્દીનું નામ, સરનામું અને મોબાઇલ નંબર નોંધી વોર્ડ ઓફિસરને મોકલવા પડશે: મ્યુનિસિપલ કમિશનર

રાજકોટને કોરોનાનું હોટસ્પોટ બનતુ અટકાવવા કોર્પોરેશન દ્વારા હવે યુદ્ધ જેવી તૈયારીઓ આરંભી દીધી છે. હાલ તમામ વોર્ડમાં બબ્બે વાહનો સાથે કુલ ૩૬ વાહનો દ્વારા એન્ટીજન ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. હવે મેડિકલ સ્ટોરમાંથી તાવ, શરદી અને ઉધરસની સામાન્ય દવા લેનારના પણ ટેસ્ટ કરવામાં આવશે. આ માટેની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ શહેરમાં ખાનગી તબીબો પાસે આવતા તાવ કે શરદી ઉધરસના દર્દીઓના નામો કોર્પોરેશનને મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ડો. જયદીપ જોશીને જવાબદારી સુપરત કરવામાં આવી છે. લોકો જાતે જ દવા લઇ લેતા હોવાથી અમુકવાર કેસ ખુબજ પડકારજનક બની જતો હોય છે. આવામાં હવે એક નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરમાં આવેલા આશરે ૧૦૦૦ જેટલા મેકિડલ સ્ટોર્સમાંથી કોઇ વ્યક્તિ તાવ, શરદી કે ઉધરસની સામાન્ય દવા લેવા આવે તો તેનુ નામ, સરનામુ અને મોબાઇલ નંબર ફરજિયાત પણે ફાર્માસી સંચાલકોએ નોંધવા પડશે જેનો ફોટો પાડી જે-તે વોર્ડના ઓફિસરને મોકલવાનો રહેશે. આ માટે તમામ વોર્ડના ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે.

વોર્ડ ઓફિસર આ માહિતી તેઓના વોર્ડના મેડિકલ ઓફિસરને સો:પશે. મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ કર્યા બાદ જ‚ર જણાશે તો તેનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવશે. મેડિકલ સ્ટોર્સમાંથી આવતી તાવ, શરદી, ઉધરસના દર્દીની માહિતી એકત્રીત કરવા માટે વોર્ડ ઓફિસર દ્વારા એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવશે. તેઓએ ઉમેર્યુ હતું કે, રાજકોટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે. આમા શહેરીજનો પણ જાગૃત બની તંત્રને સહયોગ આપે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અલગ-અલગ વિસ્તારોમાં મોટી બિલ્ડિંગ, ઓફિસોમાં કોર્પોરેશન દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.