ન્યાયાધીશ અશોક ભુષણ, આર.એસ.રેડ્ડી અને એમ.આર.શાહની ખંડપીઠે આપ્યો મહત્વનો ચૂકાદો
કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા-વ્યવસાય બંધ થઈ ચૂકયા હતા. આવકમાં પડેલા ગાબડાના કારણે અનેક લોકો બેંક કે અન્ય ફાયનાન્સીયલ સંસ્થાઓના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં હતા. જો કે, સરકારે ત્રણ મહિના માટે મોરોટોરીયમ એટલે કે, હપ્તા ભરવામાંથી રાહત આપી હતી. અલબત વ્યાજ ઉપર પણ વ્યાજ લેવાતું હોવાના આક્ષેપ સબબ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, કોરોના દરમિયાન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહેલાને ડિફોલ્ટર ગણી શકાય નહીં. જ્યાં સુધી આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી આવા કેસમાં એનપીએ કરવા નહીં તે પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો છે.
મોરેટોરિયમ પીરિયડ દરમિયાન વ્યાજ પર વ્યાજ વસૂલવા સામે થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમનો ગાળો વધારવાના મામલે કહ્યું કે, બેંકોએ ઈએમઆઈ ભરવામાં આપેલી છૂટને પગલે ૩૧ ઓગસ્ટ સુધીમાં જે લોન અકાઉન્ટ એનપીએ જાહેર નથી કર્યા, તે આ મામલાની સુનાવણી પૂરી થવા સુધી એનપીએ નહીં થાય. આગામી સુનાવણી ૧૦ ડિસેમ્બરે થશે.
આ પહેલા કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, બેન્કિંગ સેક્ટર આપણી ઈકોનોમીની કરોડરજ્જુ છે અને આપણે એવો કોઈ નિર્ણય ન લઈ શકીએ જેનાથી ઈકોનોમી નબળી પડે. તેમણે કહ્યું કે, અમે વ્યાજ માફ નહીં કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ પેમેન્ટનું દબાણ ઓછું કરી દઈશું.
હકીકતમાં આરબીઆઈએ કોરોનાની સ્થિતિ અને લોકડાઉનને પગલે માર્ચ મહિનામાં ૩ મહિના માટે લોન મોરેટોરિયમ એટલ કે લોનના ઈએમઆઈ ચૂકવવામાંથી રાહત આપી હતી. તેને ફરીથી ૩ મહિના વધારી ઓગસ્ટ સુધી કરી દેવાયા હતા. હવે, જ્યારે મોરેટોરિયમના ૬ મહિના પૂરા થઈ ચૂક્યા છે, તો ગ્રાહક કહી રહ્યા છે કે, ઈએમઆઈ ભરવામાંથી રાહત હજુ વધારવી જોઈએ. તેનાથી પણ મહત્વની માગ એ છે કે, મોરેટોરિયમ પીરિયડનું વ્યાજ પણ માફ થવું જોઈએ. તેમની દલીલ છે કે, વ્યાજ પર વ્યાજ લેવુ તો એક પ્રકારે બેવડો માર હશે. તેનું કારણ એ છે કે, આરબીઆઈએ માત્ર ઈએમઆઈ ભરવામાંથી રાહત આપી હતી, પરંતુ બાકી હપ્તાઓ પર લાગતું વ્યાજ તો ચૂકવવું પડશે.
નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે અટકી પડેલા વેપાર ધંધામાં અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. બેંક કે અન્ય ફાયનાન્સીયલ સંસ્થામાંથી લોન લેનારાના હપ્તા ચડી જાય તેવી ભીતિ હતી. જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રણ મહિના હપ્તા ભરવાની રાહત આપી હતી. દરમિયાન બેંકો વ્યાજનું પણ વ્યાજ વસુલશે તેવી અરજી વડી અદાલતમાં થઈ હતી. સામાન્ય રીતે ૯૦ દિવસમાં વ્યક્તિ વ્યાજ અથવા પ્રિન્સીપલ એમાઉન્ટ ન આપે તો તે લોનને એનપીએ કરી દેવામાં આવે છે. એનપીએ થયા બાદ રિકવરીની પ્રક્રિયા શરૂ થતી હોય છે. જેમાં ગીરવે મુકાયેલ મિલકતનું વેંચાણ સહિતની કાર્યવાહી થાય છે. આ કાર્યવાહી સુપ્રીમના કારણે અટકી છે. જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી એનપીએ ન કરવા આદેશ અપાયો છે.