રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખામાં વર્ગ-૧ થી વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓએ બિમારી સબબ લીધેલ સારવાર માટે સંદર્ભ-૧ અને ૨ ના ઠરાવ અન્વયે ગુજરાત રાજ્ય તબીબી સારવારના નિયમો-૧૯૮૮ તેમજ ગુજરાત રાજ્ય તબીબી સારવારના નિયમો ૨૦૦૫ હેઠળ હાલ તબીબી સહાય ચુકવવામાં આવે છે. નોવેલ કોરોનાની બિમારી સબબ તબીબી સુવિધાનો લાભ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ તથા તેમના આશ્રિત પરિવારજનોને મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના વિવિધ ઠરાવ હેઠળ માન્ય થયેલી હોસ્પિટલ અને માન્ય રોગો ઉપરાંત નોવેલ કોરોનાની સારવારને અને રાજ્ય સરકાર/રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાલમાં માન્ય કરેલ નોવેલ કોરોના હોસ્પિટલ અને ભવિષ્યમાં રાજ્ય સરકાર/રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી માન્યતા પ્રાપ્ત થાય તેવી નોવેલ કોરોના હોસ્પિટલને અધિકૃત હોસ્પિટલ તરીકે સમાવેશ કરવા અંગેની દરખાસ્ત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્થાયી સમિતિમાં રજુ કરાવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ જરૂરી ઠરાવ કરેલ અને આ ઠરાવને મ્યુનિ. કમિશનરે વહીવટી મંજુરી આપી છે.
સંદર્ભ-૧ થી સ્થાયી સમિતિનાં ઠરાવથી નિદાન અંગેના માન્ય રોગો તેમજ રાજકોટ શહેરની કુલ -૧૯ હોસ્પિટલોને માન્યતા આપવામાં આવેલ છે, સંદર્ભ-૨ ના ઠરાવથી શ્રી રામકૃષ્ણ આશ્રમ સંચાલિત હોસ્પિટલને માન્યતા આપવામાં આવેલ છે સ્થાયી સમિતિનાં ઠરાવથી નવી કુલ-૨૦ હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપવામાં આવેલ છે. હાલમાં, નોવેલ કોરોના વાયરસ કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. શહેરનાં લોકોને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે અને લોકોના આરોગ્યને ધ્યાને લઈ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જુદી-જુદી કામગીરી હાલ ચાલુ છે. હાલમાં રાજકોટ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ખુબ વધવા પામેલ છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ દ્વારા નોવેલ કોરોના વાયરસની ખૂબ જ અગત્યની અને તકેદારીવાળી કામગીરી કરવામાં આવે છે.