બપોર સુધીમાં કોરોનાના વધુ ૪૫ પોઝિટિવ કેસ: કુલ આંક ૩૫૦૦ને પાર
વૈશ્ર્વિક મહામારી કોરોનાનો સકંજો શહેરમાં વધુ મજબૂત બની રહ્યો છે. સાંસદ, ધારાસભ્ય, મેયર બાદ હવે ભાજપના કોર્પોરેટરનો પુત્ર પણ કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના સાથી એવા વોર્ડ નં.૧૪ના મહિલા કોર્પોરેટર કિરણબેન રાજુભાઈ સોરઠીયાના પુત્ર કરણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બપોર સુધીમાં કોરોનાનો ૪૫ કેસ નોંધાતા કુલ આંક ૩૫૦૦નો પાર થવા પામ્યો છે.
વિશ્ર્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૧૪ના ભાજપના મહિલા કોર્પોરેટર કિરણબેન રાજુભાઈ સોરઠીયાના પુત્ર કરણને કોરોનાના લક્ષણો દેખાતા તેને રિપોર્ટ કરાવ્યો હતો. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગઈકાલે શહેરમાં કોરોનાના ૮૬ કેસો નોંધાયા બાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધઉ ૪૫ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૩૫૨૪એ પહોંચ્યો છે. આજ સુધીમાં કુલ ૧૭૫૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં કોરોનાનો રિકવરી રેટ ૫૦.૩૫ ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ ૪.૬૫ ટકા છે. આજ સુધીમાં કુલ ૭૪૭૨૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અલગ અલગ ખાનગી કોવિડ હોસ્પિટલ પણ કોરોનાના દર્દીથી ઉભરાઈ રહી છે. સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.