મચ્છરોના લાર્વા વિરોધી ૧૦ હજાર લીટર ઓઈલનો જથ્થો મંગાવાયો: ૪૫૦ ટીમો બનાવાય
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ના પ્રસરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજથી આગામી પંદર દિવસ માટે કે ખાસ ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મચ્છરના લાર્વા વિરોધી ઓઈલનો ૧૦ હજાર લીટર જથ્થો મંગાવી તાત્કાલિક તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. હાલ મેલેરિયા, સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સપાટી આવી રહયા છે ત્યારે આરોગ્ય શાખા અને તેનો મેલેરિયા વિભાગ સમગ્ર શહેરમાં હાઉસ ટુ હાઉસ ચેકિંગ અભિયાન હાથ ધરશે. આગામી દસ દિવસમાં પ્રાથમિક હેલ્થ વર્કર, આશા વર્કર વગેરેની બનેલી કુલ ૪૫૦ જેટલી ટીમો શહેરના ૫ લાખ ઘરોને આવરી લેતો મેગા સર્વે હાથ ધરશે. જેમાં આ ટીમો લોકોને પણ વિવિધ બાબતે જાગૃત કરશે. આ સર્વે દરમ્યાન આ ટીમો દ્વારા મચ્છરના પોરાનાશક દવા અંગેની કામગીરી પણ સાથોસાથ જ કરશે. આ કામગીરીમાં વધારાના ૬૦૦ જણાના સેનિટેશન સ્ટાફને પણ સામેલ કરવામાં આવશે.કમિશનરે એમ પણ ઉમેર્યું કે, જ્યારે પણ આ બિમારીના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેસ સામે આવે ત્યારે તેની તાત્કાલિક સારવાર અને આવશ્યક નિદાનની પ્રક્રિયા વિનાવિલંબે હાથ ધરવામાં આવશે. આ સપ્તાહમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈએમે, પ્રેક્ટિશ એસોસિએશન, રેડ ક્રોસ, ફાર્માસીસ્ટ એસોસિએશન અને ડ્રગ્ઝ ઇન્સ્પેક્ટર સાથે મિટિંગ યોજી શહેરમાં નોંધાતા ઉપરોક્ત બિમારેના કેસોનું સમયસર રિપોર્ટીંગ થાય અને દર્દીઓની સારવાર માટેની આવશ્યક દવાઓનો જથ્થો ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વ અને જન્માષ્ટમીના તહેવાર પૂર્વે આગામી તા. ૧૪ સુધી સમગ્ર શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સાથોસાથ ફોગીંગ, કલોરીનેશન, એન્ટી લાર્વા-એન્ટી મેલેરિયા પ્રવૃતિઓ તાકિદની અસરથી ચાલુ કરી દેવામાં આવેલ છે.