તમામ ગટરો બંધ થાય તો જ ભાદર નદી શુદ્ધ થાય
કારખાનાનું પાણી ટેન્કરોથી સમ્પ પર પહોંચાડવું પડશે
નદીના પ્રદૂષણને અટકાવવા સહિયારા પ્રયાસો જરૂરી
જેતપુરના સાડી કારખાનાના પાણીથી ભાદર નદીને પ્રદૂષિત થતી અટકાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાં ભળતા કેમિકલયુક્ત પાણીની ગટરો બંધ કરી કારખાનાનું પાણી ટેન્કરો મારફત સમ્પ પર પહોંચાડવા આદેશ ર્ક્યો છે. જો કે, આ કામ માટે થોડો સમય લાગવાની શકયતા છે.
જેતપુરમાં ઘણા સમયથી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા ભાદર નદીમાં જતી કેમીકલ યુક્ પાણીની ગટરો બંધ કરવાના આદેશો અપાયા છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના કામ ચલાઉ હોદ્દેદારો અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા તા.૧ના રોજ વીડિયો કોન્ફરન્સથી જેતપુર શહેરની પ્રદુષણયુક્ત ગટરો બંધ કરવાની સુચના અપાઈ છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના કામચલાઉ હોદ્દેદારોએ તા.૫ થી રબારીકા ઝોનની ગટરો બંધ કરવાની જીપીસીબીના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સમાં ખાત્રી આપી હતી. તેમજ તા.૧૦/૯ થી ચાંપરાજપુર ઝોનની ગટરો બંધ કરવાની ખાત્રી આપી છે. જીપીસીબીના અધિકારીઓએ આ ગટરો બંધ કરવાનું જણાવ્યું છે પરંતુ તેમાંથી અટકે એવું શક્ય નથી.
ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા ભાદર નદીમાં નરસંગ ટેકરીથી પાઈપ લાઈન દ્વારા ભાદર નદીમાં છોડવામાં આવતું કેમીકલ યુકત પાણી જીપીસીબીના અધિકારીઓ બંધ કરાવે તો જ ભાદર નદી સ્વચ્છ થાય તેમ છે. જીપીસીબીના અધિકારીને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની સાંઠગાંઠથી ભાદર નદીમાં નરસંગ ટેકરીના સમ્પથી પાઈપ લાઈન દ્વારા ૪ થી ૫ જગ્યાઓ પાઈપ લાઈન ફીટીંગ કરી સમ્પ દ્વારા ફરી ભાદર નદીમાં પાણી છોડવામાં આવે છે. આ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની ગટરો તો ખાલી બહાનું છે પરંતુ જે નરસંગ ટેકરીએ સમ્પ આવેલો છે ત્યાં ગેરકાયદે ફાટેલ તળાવ નામે જે તળાવ આવેલું છે તેમાં કરોડો લીટર પાણીનો જથ્થો જે ખુબજ પ્રદુષિત પાણી હોય તે ત્યાં ભેગુ કરવામાં આવે છે અને ત્યાંથી પાઈપ લાઈન દ્વારા છોડવામાં આવતું હોય તો પોલ્યુશન તો ખુદ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. જ ફેલાવે છે. તેની બધી જાણકારી જીપીસીબીને હોવા છતાં કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી.
આ ફાટેલ તળાવમાં પાણીનો જથ્થો પણ ગેરકાયસેર સંગ્રહ કરવામાં આવે છે. હાલ ભાદર નદીમાં પ્રદુષીત લાલ પાણી બેફામ છોડાઈ ર્હયું છે. તે માટે જવાબદાર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. છે. હાલ કામચલાઉ હોદ્દેદારોના અહમ અને ઈગોના કારણે જે મુશ્કેલીઓ વધી રહી છે તેનો ભોગ નાના કારખાનેદારો બને તેવી દહેશત છે. એનજીટી દ્વારા ભાદર ચોખી કરવાનું ઝુંબેશ ચાલે છે. ભાદર નદી સ્વચ્છ થાય તેવું હાલ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. પાસે કોઈ રસ્તો નથી.
જેતપુરમાંથી થોડા સમયે પ્રોસેસ હાઉસનું પાણી ટેન્કર દ્વારા નરસંગ ટેકરી સમ્પમાં ઠાલવવામાં આવે છે તે પાણી પણ ફરી ભાદર નદીમાં પાઈપ લાઈન દ્વારા છોડવામાં આવે છે તો પ્રદુષણ કઈ રીતે અટકે ? એ કારખાનેદારોનો સવાલ છે.
જો જીપીસીબી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તો પ્રદુષણ રોકાય તેમ છે. જીપીસીબીના અધિકારીઓ ભાદર નદીમાં આવતી તમામ પાઈપ લાઈનો તેમજ મઘેરડી વોંકળામાં છોડવામાં આવતું પાણી બંધ કરાવવામાં આવે તો જ પ્રદુષણ રોકી શકાય તેમ જાણકારો કહે છે. જીપીસીબીની મીઠી નજર હેઠળ છોડવામાં આવતું તમામ લાલ અને પ્રદુષીત પાણી બંધ કરવામાં આવે તો જ ભાદર નદી સ્વચ્છ બની શકે તેમ જાણકારો કહે છે.
નાના કારખાનેદારો શું કહે છે ?
ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની ગટરો બંધ કરાશે તો નાના કારખાનેદારોને વધારે મુશ્કેલી પડશે અને નાના કારખાનેદારોને પોતાના કારખાના બંધ કરવાનો સમય આવશે હાલ જેતપુરમાં આશરે ૨૦૦૦ કારખાનેદારો હોય તો આ ગટર બંધ કરાવાથી નાના કારખાનેદારોને આર્થિક મુશ્કેલી તેમજ અવ્યવસ્થા સર્જાશે તેવું નાના કારખાનેદારો જણાવી રહ્યાં છે.