રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતીએ એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે પોલીસ કમિશ્નનર મનોજ અગ્રવાલ (આઈપીએસ) તથા રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ (આઈપીએસ) દ્વારા ભાવાંજલિ અર્પણ થઈ. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેવી આ બન્ને સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી આઈપીએસ પોલીસ અધિકારીઓએ લાગણીભેર અંજલિ અર્પી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવાર (મામા), નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા અને વાલજીભાઈ પિત્રોડા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.