સંવેદનશીલ સરકારનો સ્તૃત્ય નિર્ણય: કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત
કૃષિ વિભાગ અને મહેસુલ વિભાગને ૧૫ દિવસમાં સર્વે કરવાનો આદેશ: ખેડૂતોને એસડીઆરએફના ધોરણે વળતર ચૂકવાશે
વરસાદ પછીની નુકશાનીનો તાળો મેળવવા આજે રૂપાણી સરકારની ગાંધીનગર ખાતે કેબીનેટ બેઠક યોજાઈ હતી. ઘણા વિસ્તારમાં એક સામટો વરસાદ ખાબકતા જગતાતને ભારે નુકશાની સહન કરવજાનો વારો આવ્યો હતો. જેથી તેઓને રાહત આપવા માટે ખાસ સહાયની સતાવાર જાહેરાત કરાઈ છે. જેમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તેવું કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે. વધુમાં આ માટે મહેસુલ અને કૃષિ વિભાગને ૧૫ દિવસમાં સર્વે કરવાનો આદેશ પણ આપી દેવાયો હોવાનું તેમણે જણાવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષમાં આજે ગાંધીનગર ખાતે કેબીનેટ બેઠક યોજાય હતી. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કેબીનેટ ખુબ મહત્વપૂર્ણ રહી છે. કારણ કે કેબીનેટ બાદ ખેડૂત લક્ષી ખાસ જાહેર થઈ છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક ભારે વરસાદ નોંધાયો હતો. જેમા અનેક સ્થળોએ એક સામટો વરસાદ ખાબકયો હતો.
એક સામટો પડેલા ભારે વરસાદથી ખેડૂતોને મોટુ નુકશાન થયુ હતુ. જો કે સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં ખેતરોનું ધોવાણ થઇ ગયુ હતુ. ખેડૂતોનો ઉભો પાક નીષ્ફળ ગયો હતો. જેના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આ મુદ્દાને લઇને વિવિધ મથકો ઉ૫ર વિવિધ સંગઠનો દ્વારા તંત્રને આવેદન પણ પાઠવવામાં આવ્યા હતા. અને તાત્કાલિક સહાય ચુકવવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. જેના કારણે સરકારે પણ પાકને થયેલા નુકશાન મુદા ઉ૫ર ત્વરીત ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
જો કે અગાઉ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે એક વખત મીડીયા સામે ખેડૂતોને સહાય આપવાની વાત કરી દીધી હતી પરંતુ સરકાર દ્વારા હજુ સુધી સતાવાર રીતે કોઇ વિસ્તૃત જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ આજરોજ કેબીનેટ બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતલક્ષી મોટો નિર્ણય જાહેર કર્યો છે જેમાં ભારે વરસાદના કારણે જે ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકશાન થયું છે તેઓને સહાય ચૂકવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા આ માટે મહેસુલ વિભાગ અને કૃષિ વિભાગને ૧૫ દિવસમાં સર્વે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે વળતર ચૂકવવામાં આવનાર હોવાનું કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે.