કોરોના ઘાતક કે ‘માનસિકતા’ ઘાતક
વર્ષ ૨૦૧૯માં પ્રતિ ૧ કલાકમાં અકસ્માતમાં મરનારની સંખ્યા ૪૮ જયારે પ્રતિ દિવસ આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા સરેરાશ ૩૮૧
વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં આત્મહત્યાનું પ્રમાણ ૩.૪ ટકા વઘ્યું
દેશમાં ઓવરસ્પીડ થકી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૬૦ ટકાથી વધુ
ભાગદોડ અને સ્વયંશિસ્તનાં અભાવે લોકોએ રોડ અકસ્માતમાં ગુમાવવો પડે છે જીવ
ગ્રામ્ય વિસ્તારમાં રોડ અકસ્માતના કેસો ૫૯.૫ ટકા જયારે શહેરી વિસ્તારમાં આંકડો ૪૦.૫ ટકાએ પહોંચ્યો
છેલ્લા ૬ માસમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા ૬૮ હજાર જેના કરતા રોડ અકસ્માતમાં મરનારની સંખ્યા દોઢ લાખને પાર
કોરોના પહેલા જાણે કોઈ મોત નિપજતા ન હતા. કોરોના આવતાની સાથે જ જે મોત નિપજે છે તે મોત જાણે કોરોનાથી થતા હોય તેવો વિચાર હાલ દેશના લોકો કરી રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક મહામારી કોરોનાના પગલે લોકોના મગજમાં પણ ડર બેસી ગયો છે પરંતુ આંકડાકિય માહિતી અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૯માં રોડ અકસ્માતથી મરનાર લોકોની સંખ્યા ૧.૫૪ લાખ પહોંચી હતી જેમાં સૌથી વધુ મોત થવાનું કારણ ઓવરસ્પીડ જેનો આંકડો ૬૦ ટકાએ પહોંચ્યો હતો. બીજી તરફ પ્રતિ કલાક ૪૮ જેટલા રોડ અકસ્માતમાં મોત થતા હોવાનો આંકડો પણ સામે આવ્યો છે જે અંગેની માહિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૯માં કુલ રોડ અકસ્માતમાં ૪,૩૭,૩૯૬ અકસ્માતો નોંધાયા હતા જેમાં ૧,૫૪,૭૩૨ લોકોના મોત નિપજયા હતા તો બીજી તરફ ૪,૩૯,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. એનસીઆરબી દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં રોડ એકસીડેન્ટમાં મૃત્યુ પામનાર લોકો ઓવરસ્પીડ હોવાથી તેમનો મૃત્યુઆંક ૫૯.૬ ટકા રહેવા પામ્યો છે. જયારે ગત વર્ષ ૨૦૧૮માં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા ૧,૫૨,૭૮૦ની જોવા મળી હતી. જયારે ૨૦૧૭માં આ આંકડો દોઢ લાખ પહોંચ્યો હતો. એનસીઆરબી દ્વારા જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેમાં મૃત્યુ પામનાર ૩૮ ટકા લોકો દ્વિચક્રિય વાહનોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. વાહન ચાલકોનું રફ ડ્રાઈવીંગ અને ઓવરટેકીંગનાં પગલે મૃત્યુ આંક ૨૫.૭ ટકાનો જોવા મળ્યો છે. એવી જ રીતે જે મૃત્યુઆંક એનસીઆરબી દ્વારા જે આપવામાં આવ્યો છે તેમાં ૫૯.૫ ટકા એકસીડેન્ટ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે જયારે શહેરી વિસ્તારમાં આ આંકડો ૪૦.૫ ટકા જેટલો રહેવા પામ્યો હતો.
ગત વર્ષે પ્રતિ કલાક ૪૮ લોકોના મોત નિપજતા હતા જેમાં ટ્રાફિકના પ્રશ્ર્નો, રોડ-રેલવેના અકસ્માતો સહિત અન્ય ફેટલ એકસીડેન્ટ મારફતે લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ અકસ્માતનાં ૪૪ ટકા જેટલા મોત રોડ અકસ્માત મારફતે થયા હોવાનું પણ સામે આવ્યું છે. એનસીઆરબીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ એકસીડેન્ટનાં ૬૦ ટકા જે અકસ્માતો થયા છે તેમાંથી ઓવર સ્પીડ થકી મરનાર લોકોની સંખ્યા ૮૬,૨૪૧ અને ઓવરટેક કરતી વેળાએ લોકોના મોત થવાની સંખ્યા ૪૨,૫૫૭ રહેવા પામી છે. સૌથી વધુ જે અકસ્માતો થકી જે મોત નિપજયા છે તેમાં મહારાષ્ટ્ર પ્રથમ રાજય છે જયાં ૭૦,૩૨૯, મધ્યપ્રદેશમાં ૪૨,૪૩૧, યુપીમાં ૪૦,૫૯૬ મોત નિપજયા છે. આ મોતમાં ૩૧ ટકા ભોગ બનનાર લોકોની વયમર્યાદા ૩૦ થી ૪૫ વર્ષ વચ્ચેની રહેવા પામી છે જયારે દેશનાં ૫૩ જેટલા મેગા સીટીમાં ૬૧,૪૦૪ મોત નિપજયા છે જેમાં સૌથી વધુ ફેટલ એકસીડેન્ટ મુંબઈમાં ૯૨૪૬, દિલ્હીમાં ૪૫૧૬ અને બેંગલોરમાં ૪૦૧૬ કેસ સામે આવ્યા છે.
ટ્રાફિક એકસીડેન્ટ કેટેગરી વિશે જો માહિતી લેવામાં આવે તો સૌથી વધુ ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી જે મોત નિપજયા છે જેમાં સૌથી યુપીમાં ૨૭,૬૬૧, મહારાષ્ટ્રમાં ૧૮૫૨૪, મધ્યપ્રદેશમાં ૧૩,૪૯૭ જેમાં આ ત્રણ રાજયો વચ્ચે કુલ ટ્રાફિક અકસ્માતથી મૃત્યુ પામનારનો આંકડો સરેરાશ ૩૩ ટકા રહેવા પામ્યો છે. દ્વિચક્રિય વાહનોનો ઉપયોગ કરનાર વાહન ચાલકોમાં સૌથી વધુ ફેટાલીટી રેટ જોવા મળ્યો હતો કે જે ટોટલ રોડ અકસ્માતમાં થતા મોતમાંથી ૩૮ ટકાનો હિસ્સો જોવા મળ્યો હતો. એનસીઆરબી દ્વારા આકસ્મિક મોતમાં સ્યુસાઈડ અંગે પણ માહિતી આપી હતી જેમાં મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારની સંખ્યા ૧૮,૯૧૬, તામિલનાડુમાં ૧૩,૪૯૩, પશ્ર્ચિમ બંગાળમાં ૧૨,૬૬૫, મધ્યપ્રદેશમાં ૧૨,૪૫૭ અને કર્ણાટકમાં ૧૧,૨૮૮ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં કુલ આત્મહત્યા કરનારના ૫૦ ટકા કેસ માત્રને માત્ર આ પાંચ રાજયોમાંથી જ આવ્યા છે. રીપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, લગ્ન જીવન સંબંધિત પ્રશ્ર્નોને લઈ આત્મહત્યા કરનાર લોકોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.