કાલાવડમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ પાક નિષ્ફળ જતા જગતનો તાત ચિંતામાં
કાલાવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જશાપર, મોટાવડાળા, નિકાવા, શિશાંગ, વોઠીસાંગ, બાલંભડી, નાનાવડાળા, પાતામેધપર, ખરેડી:, હસિર, બાંગા, ટોડા, ખાન કોટડા, નગાગામ, ધુનધોરાજી, બેરાજા, ખંઢેર, આણંદપર, સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તાલુકાની ફુલઝર નદી, બારંભડી ડેમ, વોડીસાંગ ડેમ, ઉંડ-૪ ડેમ, ખારાનું ડેમ સહિત અનેક નદી નાળાઓ ગાંડાતુર બન્યા છે. ખેતરોને પાણીથી બેટમાં ફેરવી નાખ્યા છે. મગફળી તથા કપાસનો પાક પાણીમાં ગરકાવ બની ગયો છે.
ડુંગળી, મગ, તલ, અડદને પાણી લાગી જવાથી સડીને ખાખ થઇ જવા પામેલ છે. સમગ્ર તાલુકામાં જયા જોવો ત્યાં માત્ર પાણીને પાણી સમગ્ર વિસ્તાર જળ બંબાકાર બની ગયો છે. આ સીઝનનો હાલ સુધીનો કુલ વરસાદ ૧૩૮૦ મી.મી. નોંધાયો છે. અને હજુ પણ વધુ વરસાદની સંભાવના હોય જેથી ખેડુતોનો આ સીઝનનો ચોમાસુ પાક સદંતર નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.