પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનથી સમગ્ર દેશમાં શોક: જમીનથી જોડાયેલા છતાં આસમાની વ્યક્તિત્વ ધરાવતા પ્રણવદા રાજકારણના ‘ભિષ્મપિતામહ’ હતા

ભારતરત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અંતિમ શ્ર્વાસ લીધાની સાથે જ દેશમાં એક યુગ અસ્ત થઈ ગયો છે. પ્રણવ મુખર્જી સર્વપક્ષ માન્ય હતા. તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરે તેવા સંજોગો ઘણી વખત ઉભા થયા હતા. લોકનેતા તરીકે પ્રણવદાએ લીધેલા નિર્ણયો કયારેય ભુલી શકાય તેમ નથી. એક રીતે પ્રણવ મુખર્જી ભારતીય રાજકારણના ભિષ્મપિતામહ હતા. જેમણે ગાંધી કુટુંબની ખૂબ નજીક રહીને કામ કર્યું હતું. એક તબક્કે તેમની ખ્યાતિ-ચાહના એવી હતી કે, ગાંધી કુટુંબ પણ તેમના પ્રભુત્વથી ડરતુ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર મળતા જ સમગ્ર દેશ શોકમાં મુકાઈ ગયો હતો. પ્રણવદાનું માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક મોરચે પણ યોગદાન રહ્યું છે. પ્રણવ મુખર્જી ઘણા દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યકત કર્યો છે.

કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન બાદ ૭ દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના નિધન બાદ પશ્ચિમ બંગાળની મમતા સરકારે પણ આજે રાજ્યમાં શોકની જાહેરાત કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગઈકાલે દિલ્હી સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના નિધન બાદ દેશમાં તમામ ક્ષેત્રના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ મુખર્જીને માર્ગદર્શક તરીકે ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીએ દેશ હિતને કાયમ મહત્વ આપ્યું હતું. તેમણે રાજકીય અછુતપણાનું સમર્થન ક્યારેય ર્ક્યું નહોતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનથી આરએસએસને મોટી ખોટ ગઈ છે. આજે રાષ્ટ્રપતિ ભવન અને સંસદમાં અર્ધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. પ્રણવ મુખર્જી ભારતીય રાજકારણના ‘દાદા’ રહ્યાં હતા. તેમણે કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ પક્ષોને પોતાના અનુભવનો નિચોડ આપ્યો હતો. રાજકારણમાં વડીલ તરીકે પ્રણવદાના સુચનો તમામ પક્ષો ગ્રાહ્ય રાખ્યા હતા. પ્રણવ મુખર્જી સામે વડાપ્રધાન બનવાની તક ઘણી વખત આવી હતી. પરંતુ યેનકેન કારણોસર અન્ય કોઈને વડાપ્રધાન બનાવી દેવાયા હતા. છતાં પણ કોંગ્રેસ તરફે તેમની વફાદારી અવ્વલ હતી. જો કે, દેશ હિત તેમનો પ્રાથમિક વિચાર હતો.

સિત્તેરના દાયકામાં રાજકારણમાં પ્રવેશનાર પ્રણવ મુખર્જી, કેન્દ્રમાં નાણાં, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળ્યા પછી જુલાઈ ૨૦૧૨થી જુલાઈ ૨૦૧૭ સુધીમાં ભારતના રાષ્ટ્રપતિ હતા. મોદી સરકારે દેશ માટે તેમના યોગદાનનું સન્માન કરી તેમને ભારતરત્ન પદવી આપીને સન્માનિત કર્યા હતા. પ્રણવદા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. મોદી સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પસંદ કરવામાં આવતા એ દેખાડે છે કે તેમનું વ્યક્તિત્વ અને કદ પક્ષ અથવા વિચારધારાથી કેટલું ઉપર હતું.

તેઓ ઈંદિરા ગાંધીની ખૂબ નજીક હતા અને કટોકટી પછી કોંગ્રેસનો પરાજય થયો ત્યારે તે ઇન્દિરા ગાંધીના સૌથી વિશ્વાસપાત્ર સાથી તરીકે ઉભરી આવ્યા હતા. ૧૯૮૦માં તેમને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન, મુખર્જીર્ને સૌથી શક્તિશાળી કેબિનેટ પ્રધાન માનવામાં આવ્યાં હતાં. વડા પ્રધાનની ગેરહાજરીમાં તેઓ મંત્રીમંડળની બેઠકોમાં અધ્યક્ષતા રાખતા હતા. પ્રણવ મુખર્જી ઈંદિરા ગાંધીના પ્રધાનમંડળમાં નાણાં પ્રધાન હતા. વર્ષ ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પ્રણવ મુખર્જીને વડા પ્રધાન પદના સૌથી શક્તિશાળી દાવેદાર માનવામાં આવ્યાં હતાં. તેમણે વડા પ્રધાન બનવાનો પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, પરંતુ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાજીવ ગાંધીને વડા પ્રધાન તરીકે પસંદ કરી હતી. જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે રાજીવ ગાંધી અને પ્રણવ મુખર્જી બંગાળના પ્રવાસ પર હતા, તે જ વિમાનમાં એક સાથે ઉતાવળમાં દિલ્હી પરત ફર્યા હતા.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ પી.વી. નરસિંહ રાવ વડા પ્રધાન બન્યા પછી પ્રણવ મુખર્જીની લંબાઈનું કદ વધતું ગયું. રાવ તેમની સલાહ લેતા રહ્યા પરંતુ તેમ છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. રાવે તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા અને તેમણે પાંચ વર્ષ સુધી આ પદ સંભાળ્યું. નરસિંહ રાવ સત્તા પર હતા ત્યારે જ પ્રણવ મુખર્જીએ ધીમે ધીમે કોંગ્રેસમાં પોતાનો રાજકીય આધાર મજબૂત બનાવવાનું શરૂ કર્યું.

વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસ સત્તા ઉપર પાછી ફરી ત્યારે સોનિયા ગાંધીના વિદેશ મુળનો મુદ્દો અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નહીં બનવાની જાહેરાત કરી હતી. જેથી પ્રણવ મુખર્જીના વડાપ્રધાન બનવાની ચર્ચા તિવ્ર બની હતી. જો કે, સોનિયા ગાંધીએ મનમોહનસિંહને બનાવવાનો નિર્ણય લીધો હતો. જો કે, ત્યારબાદ પ્રણવ મુખર્જીએ નાણાથી લઈ વિદેશ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. તેઓ પક્ષની મુશ્કેલી નિવારવાની ભૂમિકામાં અહમ હતા. ૨૦૧૨માં કોંગ્રેસે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ દેશના ૧૩માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ મોદી સરકારે તેમને ભારતરત્નથી નવાજ્યા હતા.

વેપાર ઉદારીકરણને લઈને પણ અનેક પગલા ભર્યા

ભારતીય અર્થતંત્ર માટે સૌથી મહત્વનો સમયગાળો ૧૯૯૦ બાદનો રહ્યો છે. તે પહેલા ભારતીય અર્થતંત્રની વિચારધારા સમાજવાદ તરફની હતી. ત્યારબાદ આવેલા ઉદારીકરણના કારણે ભારતીય અર્થતંત્ર સમયાંતરે મજબૂત બન્યું છે. વેપારમાં ઉદારીકરણનો પાયો ૧૯૯૦ સમયે જ નખાઈ ગયો હતો. જો કે, ત્યારબાદ ૧૯૯૩માં નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ લીધેલા પગલા દેશ માટે ખુબજ મહત્વના બની ગયા હતા. વેપાર ઉદારીકરણમાં પ્રણવ મુખર્જીના નિર્ણયો એ દેશના આર્થિક સમીકરણો બદલી નાખ્યા હતા.

રાજકારણમાં સક્રિય છતાં અજાતશત્રુ

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પ્રણવ મુખર્જીની પસંદગી કરવામાં આવી એ દેખાડે છે કે, તેમનું વ્યક્તિત્વ અને કદ પક્ષ અથવા વિચારધારાથી કેટલી ઉપર હતી. તેઓ કોંગ્રેસમાં હતા પરંતુ તેમના વિચારો તમામ પક્ષો ગ્રાહ્ય રાખતા હતા. એક રીતે તેઓ રાજકારણમાં અજાતશત્રુ રહ્યાં હતા. સામાન્ય રીતે કોઈ રાજકારણમાં સક્રિય હોય અને તેનો કોઈ દુશ્મન ન હોય તેવું બનતું નથી પરંતુ પ્રણવ મુખર્જીના વ્યક્તિત્વની વાત અપવાદ છે. તેઓ ભાજપ, સંઘ અને અન્ય પક્ષો માટે પણ મોભી સમાન હતા.

આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મુખર્જીનું યોગદાન બહુમુલ્ય

પ્રણવ મુખર્જી આંતરાષ્ટ્રીય નાણા ભંડોળની વિશ્વ બેંક, એશિયાઈ બેંક તથા આફ્રિકી વિકાસ બેંકના પ્રશાસક બોર્ડના સભ્ય રહ્યાં હતા. વર્ષ ૧૯૮૪માં તેમણે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને વિશ્વ બેંક સાથે સંકળાયેલા ગ્રુપ ૨૪ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ૧૯૯૫માં તેમણે સાર્ક મંત્રી પરિષદની અધ્યક્ષતા પણ કરી હતી. જે પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, તેમનું માત્ર સ્થાનિક નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય યોગદાન પણ બહુમુલ્ય રહ્યું છે.

દિલ્હીની ગાદી પર બેસવા વડાપ્રધાન મોદી પણ પ્રણવદા પાસે પાઠ ભણ્યા’તા

વડાપ્રધાન મોદી જ્યારે બહુમતિથી ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે પ્રણવ મુખર્જી પાસે દિલ્હીની ગાદી પર બેસવાના પાઠ ભણ્યા હતા. દિલ્હીમાં સત્તા કઈ રીતે ટકાવી રાખવી અને કામગીરી કઈ રીતે કરવી તે માટેની સલાહ તેમણે પ્રણવ મુખર્જી પાસેથી લીધી હતી. વડાપ્રધાન મોદી માટે દિલ્હી નવું સવું હતું. દિલ્હીની ગાદી ઉપર બેસવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. ચૂંટાયા બાદ મોદી પ્રણવ મુખર્જીના પગે લાગ્યા હતા અને દિલ્હી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

પાંચ-પાંચ ગાંધીને સાચવી લીધા’તા

પ્રણવ મુખર્જી ઈન્દિરા ગાંધીની ખુબ નજીક હતા. કટોકટી બાદ કોંગ્રેસનો પરાજય થયો ત્યારે તેઓ સૌથી વિશ્ર્વાસપાત્ર સાથી તરીકે ઉભરી આવ્યા. ૧૯૮૦માં તેમણે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા બનાવવામાં આવ્યા. ત્યારબાદ ઈન્દિરા ગાંધીની હત્યા પછી મુખર્જીને વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવ્યા હતા. જો કે, કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. ત્યારબાદ ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિંહરાવ વડાપ્રધાન બન્યા હતા પ્રણવ મુખર્જીનું રાજકીય કદ વધુ વધ્યું. ત્યારબાદ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના ગાંધી સાથે પણ કામ કર્યું હતું.

નાની ઉંમરે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી

પ્રણવ મુખર્જીની રાજકીય સફરની શરૂઆત પં.બંગાળમાં વર્ષ ૧૯૬૯માં મિદનાપુરની પેટા ચૂંટણીથી થઈ હતી. ત્યારબાદ પં.બંગાળની સિદ્ધાર્થ શંકર રોયએ ઈન્દિરા ગાંધી સમક્ષ પ્રણવ મુખર્જી માટે સુચન કરતા તેઓ માત્ર ૩૫ વર્ષની ઉંમરે ૧૯૬૯માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૭૫, ૧૯૮૧, ૧૯૯૩ અને રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત તેમણે ૨ વખત નાણાપ્રધાન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.