પોપટપરામાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચનો દરોડો: રૂ.૩૪ હજારની મત્તા સાથે એક મહિલા સહિત પાંચ ઝડપાયા
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કોપર સન્ડે ફલેટમાં જુગાર રમતી આઠ મહિલાઓને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી જુગારના પટમાંથી રૂા.૨૨,૭૬૦ની રોકડ કબજે કરી છે. જયારે અન્ય દરોડામાં પોપટપરામાં ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત પાંચ શકુનીને રૂા.૩૪ હજારની મતા સાથે ઝડપી પાડયા છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ હરસુખભાઈ સબાડ અને દિપલબેનને બાતમી મળી હતી કે મવડી વિસ્તારમાં આવેલા કોપર સેન્ડ ફલેટમાં પહેલા માળે રહેતા મીરાબેન પ્રશાંતભાઈ સોની તેના ફલેટમાં જુગાર રમાડે છે જેના આધારે જુગારનો દરોડો પાડી જુગાર રમતા મીરાબેન સોની સહિત રીનાબેન ભરતભાઈ ધગડા, ચંપાબેન ગોપાલભાઈ દલસાણીયા, હેતલબેન હિતેશભાઈ વીકાણી, કંચનબેન રસિકભાઈ મેંદપરા, જોશનાબેન હસમુખભાઈ કનેરીયા, સ્મીતાબેન વિપુલભાઈ મહેતા અને હેતલબેન નીમેશભાઈ ફળદુ નામની મહિલાઓને પી.આઈ જે.વી.ધોળા, પી.એસ.આઈ એન.કે.રાજપુરોહિત અને કોન્સ્ટેબલ જયંતિભાઈ સહિતના સ્ટાફે ઝડપી જુગારના પટમાંથી રૂા.૨૨,૭૬૦ની રોકડ કબજે કરી છે. જયારે પોપટપરા વિસ્તારમાં નાલા પાસે સંતોષીનગરમાં ભારતીબેન સીંધીના મકાનમાં ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ મેઘજીભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી ભારતીબેન લાલચંદ સીંધી, ભગવાન ગુલુમ દેવાણી, મુકેશ તોતલદાસ હરવાણી, મનોજ દોલતરામ કુદલાણી અને દિપક ભગવાનદાસ એકવાણીને રોકડા રૂા.૩૪,૨૭૦ સાથે મહિલા સહિત પાંચ શકુનીઓનો જુગાર રમતા ઝડપી પાડયા છે.