મચ્છરોની ઉત્પતિ સબબ ૨૯૬ સ્થળે ચેકિંગ: પોરા દેખાતા વૃદ્ધાશ્રમ સહિત ૧૦૦ને નોટિસ, રૂ.૧.૧૬ લાખનો દંડ વસુલાયો
શહેરમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે ત્યારે ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો ન વકરે તે માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા જાણે ભાન ભુલીને કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તદન સેવાના આશ્રય સાથે વૃદ્ધ માવતરોની સેવા કરતા એક વૃદ્ધાશ્રમને પણ કોર્પોરેશને છોડ્યું નથી. અહીં મચ્છરોના લારવા મળી આવતા વૃદ્ધાશ્રમને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભલામણના ફોન આવે તો મોટા માથાને બક્ષી દેતુ તંત્ર સેવાની સરવાણી વહાવતી સંસ્થાઓ સામે સુરુ બનીને ત્રાટકી રહ્યું છે.
ડેન્ગ્યુ સહિતના રોગચાળાની અટકાયત માટે છેલ્લા બે પખવાડિયામાં આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રી, રહેણાંક મકાનો સહિત ૨૯૬ સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં મચ્છરોના પોરા મળી આવતા શહેરના ગોંડલ રોડ પર આવેલા એક વૃદ્ધાશ્રમ, કાલાવડ રોડ પર ટીવીએસ શોરૂમ, સોપાન બિલ્ડીંગ, વલ્લભનગરમાં હિમાલ્યા રેફીજરેટર, શ્રીનાથજી સોસાયટીમાં હિરેન હોલ, એમ.એસ.મોટર્સ, સાધુ વાસવાણી રોડ પર પ્રાયડ કલાસીક, મારૂતીનગરમાં ઈમીટેશનના કારખાના, માલધારી ફાટક પાસે અમુલ ઈન્ડસ્ટ્રીઝ, ગણેશ માર્સલ સહિત ૧૦૦ આસામીઓને નોટિસ ફટકારી રૂા.૧.૧૬ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે સેવાકીય સંસ્થાઓમાંથી મચ્છરોના લારવા મળી આવે તો તેને તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવતી હોય છે પરંતુ મહાપાલિકાનું તંત્ર જાણે શહેરમાં એકપણ મચ્છર ન રહે તેવી ઝુંબેશ લઈ નિકળ્યું હોય તેમ સેવાકીય સંસ્થા એક વૃદ્ધાશ્રમને પણ મચ્છર સબબ નોટિસ ફટકારી દંડ વસુલ્યો હતો.